વડોદરા: ફિરોજપુર જનતા એક્સપ્રેસ પુનઃ શરૂ કરવાની માંગ
વડોદરા,તા.20 ડિસેમ્બર 2022,મંગળવાર
સાત રાજ્યોને જોડતી મુંબઈ સેન્ટ્રલ ફિરોજપુર જનતા એક્સપ્રેસ કોરોનાકાળમાં બંધ કર્યા બાદ આજ દિન સુધી શરૂ ન કરતા મધ્ય ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળ દ્વારા આ ટ્રેન પુનઃ શરૂ કરવા રેલવે મંત્રી, જનરલ મેનેજર વેસ્ટ ઝોન તથા વડોદરા રેલવે સ્ટેશનના ડી.આર.એમ ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મધ્ય ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળના અધ્યક્ષ તથા ઝેડ.આર.યુ.સી.સી.ના મેમ્બર ભરત આર. ગુપ્તાએ કેન્દ્રીય રેલવે મંત્રી, જનરલ મેનેજર વેસ્ટ ઝોન તથા વડોદરા રેલવે સ્ટેશનના ડી.આર. એમ.ને લેખિત રજૂઆત કરી છે કે, મુંબઈ સેન્ટ્રલ ફિરોજપુર જનતા એક્સપ્રેસ પુન: શરૂ કરવી જોઈએ. આ ટ્રેનની શરૂઆત વર્ષ 1956 દરમ્યાન થઈ હતી. આ ટ્રેનનો રૂટ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા તથા પંજાબ રાજ્યોને જોડે છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉજ્જૈન, મંદસોર, ઝાંબુઆના લોકો પણ આ ટ્રેનનો ઉપયોગ કરે છે. આ ટ્રેનના રૂટમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયાના કારણે વિપુલ પ્રમાણમાં કર્મચારીઓ તેનો ઉપયોગ કરે છે. સાથે આ ટ્રેનને ગરીબ માણસના વાહન તરીકે પણ ઓળખવામાં આવે છે. કોરોના સમયે બંધ કરવામાં આવેલ આ ટ્રેન આજ દિન સુધી શરૂ થઈ નથી. જેથી આ ટ્રેનને ફરી શરૂ કરવા માટે મધ્ય ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળ, રેલ્વે અપ ડાઉનર્સ પ્રોગ્રેસિવ વેલફેર એસોસિએશન, રાજસ્થાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ ટ્રેન જલ્દી રજૂ થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે.