વડોદરા સાયબર સેલની 45 બેન્કોના ઓફિસર્સ સાથે મીટિંગઃબેન્કો ઓનલાઇન ઠગોને રોકી શકે
વડોદરાઃ જાતજાતની તરકીબો અજમાવી લોકોના કરોડો રૃપિયા ઉસેટી લેતા ઓનલાઇન ઠગોને રોકવામાં બેન્કો મહત્વનું યોગદાન આપી શકે તેમ હોવાથી વડોદરા સાયબર સેલ દ્વારા શહેરની રાષ્ટ્રીય કૃત,ખાનગી તેમજ કોઓપરેટિવ સેક્ટરની ૪૫ જેટલી બેન્કોના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની મીટિંગ કરવામાં આવી હતી.
વિદેશથી નેટવર્ક ચલાવતા ઓનલાઇન ઠગો દ્વારા ભારતની બેન્કોમાં ખાતા ખોલાવી તેમજ તેના સિમકાર્ડ મેળવીને શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ,ઘેર બેઠા ટાસ્ક કરીને હજારો રૃપિયા કમાવવા,બેન્ક એકાઉન્ટની કેવાયસી, રેલવે તેમજ અન્ય સરકારી વિભાગોના નામે બોગસ વેબસાઇટ બનાવી કસ્ટમર કેરના નામે બેન્ક એકાઉન્ટ ખાલી કરી દેવા જેવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે.
આમ,કરોડો રૃપિયાની ઠગાઇ કરતા ઠગોનો મુખ્ય આધાર બેન્ક ખાતા હોવાથી અને સાયબર સેલને બેન્કો સાથે સંકલન વધે તે હેતુથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જુદીજુદી બેન્કોના ઉચ્ચ અધિકારીઓ તેમજ સાયબર સેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મીટિંગ યોજી હતી.
પોલીસે બેન્કોને કોઇ પણ એકાઉન્ટ ખોલવામાં સતર્કતા રાખવામાં આવે અને કેવાયસી પણ યોગ્ય રીતે કરવામાં આવે તો મોટાભાગના ફ્રોડના બનાવો અટકી શકે તેમ હોવાનું કહ્યું હતું.આ ઉપરાંત બેન્કો દ્વારા પોલીસને ઝડપી માહિતી મળે તો અનેક લોકોના રૃપિયા અટકી શકે તેમ હોવાનું પણ કહેવાયું હતું.
ક્રેડિટ કાર્ડ આડેધડ આપી દેવાય છે,ક્રેડિટ કાર્ડના ઠગાઇના કેસોમાં રીકવરી થતી નથી
ક્રેડિટ કાર્ડના નામે થતી ઠગાઇના કેસોમાં પોલીસને રીકવરી કરતાં નાકે દમ આવી જતો હોવાથી આવા કાર્ડ ઇસ્યુ કરતી વખતે સાવધાની જરૃરી હોવાનું બેન્ક અધિકારીઓને કહેવાયું હતું.
પોલીસે બેન્કવાળાને કહ્યું હતું કે,ક્રેડિટ કાર્ડ આડેધડ ઇસ્યુ કરવામાં આવે છે.ક્રેડિટ કાર્ડના મોટાભાગના કિસ્સામાં ઠગો દ્વારા દૂરના શહેરોમાં ખરીદી કરવામાં આવતી હોય છે.
જેથી ગ્રાહકને તો રૃપિયા ગુમાવવાનો વખત આવે જ છે.પરંતુ તેની સાથે સાથે પોલીસને ઠગો સુધી પહોંચવું મુશ્કેલ પડે છે.વળી,જ્યારે ઠગો પકડાય છે ત્યારે તેમની પાસેથી ખરીદી કરેલી ચીજો પાછી મળતી નથી અને રીકવરીના નામે મીંડુ થતું હોય છે.
બેન્કો પણ ઇન્વેસ્ટિગેશન કરી શકે છે, ભોગ બનેલાને સાયબર સેલમાં મોકલી દે છે
પોલીસ અને બેન્કોના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મીટિંગના મુદ્દે સાયબર સેલના પીઆઇ બીરેન પટેલે કહ્યું હતું કે,કોઇ પણ ગ્રાહક રૃપિયા ગુમાવે એટલે પહેલાં બેન્કમાં જતો હોય છે.બેન્કો તેને સાયબર સેલ પાસે મોકલી દે છે.જેને કારણે ઠગોને સમય મળી જતો હોય છે.ઠગાયેલા લોકોને સાયબર સેલમાં મોકલવામાં આવે તેની સામે વાંધો નથી.પરંતુ બેન્કો પણ ગ્રાહકના રૃપિયા કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે,આ ખાતું કોનું છે..સહિતના મુદ્દાઓનું ઇન્વેસ્ટિગેશન કરી શકે છે.