વડોદરા : પાણી માટે લાખો લોકોને મુશ્કેલીમાં મૂકનાર સામે માત્ર મ્યુનિસિપલ કાયદા હેઠળ દંડ કરવાને બદલે ક્રિમીનલ કેસ કર્યો
Vadodara News : આ ઉનાળો પાણી પુરવઠામાં પાલિકાની ઘોર બેદરકારી અને નિષ્ફળતાની મોસમ પુરવાર થયો છે. તેના પગલે એક તરફ હજારો ગેલન પાણી ખેતરોમાં ફરી વળ્યુ અથવા રસ્તાઓ પર વહી ગયું અને બીજી તરફ પાણી વગર લોકોએ પારાવાર મુશ્કેલીઓ વેઠી. પણ તેના માટે જવાબદાર હોય એવા લોકો મુંછમાં હસતા રહ્યા અને મલકતા રહ્યા. અસહાય પ્રજા પાણી માટે વલખાં મારતી રહી અને પરસેવાની કમાણી ટેન્કર દ્વારા પાણી મેળવવા માટે ખર્ચતી રહી. ચારે બાજુ તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ. શોલે ફિલ્મમાં એ.કે.હંગલનો સંવાદ 'યે ઇતના સન્નાટા ક્યું હૈ ભાઈ' યાદ આવે એવી સ્થિતિ પાણીની બાબતમાં વડોદરાના નગરજનોની છે.
શહેરનો પૂર્વ વિસ્તાર સૌથી વધુ પાણી પીડિત છે. આશિષ જોશી જેવા એકલવીર નગર સેવકને લોક વેદનાથી લાગી આવે છે. તેઓ અવાજ બુલંદ કરે છે. પણ આભ ફાટે ત્યારે થીંગડું કેટલું ટકે એ સવાલ છે. ઉનાળામાં પાણી પુરવઠા વિષયક મુશ્કેલીઓ ઉભી થાય એ સહજ ગણાય. પરંતુ વારંવાર તકલીફ થાય, એક તરફ લોકોને પાણીના મળે અને બીજી તરફ લીકેજ કે ભાંગતુટના લીધે વિપુલ પાણી વેડફાય તો એ વ્યવસ્થાનો વાંક ગણાય.
એકાદ મહિનાના ગાળામાં આજવાથી આવતી લાઇનનો એર વાલ્વ બે વાર તૂટ્યો. બંને વાર બેદરકાર વાહન ચાલકો એ વાહન અથાડી એ તોડ્યો. તેના પરિણામે ચારથી પાંચ લાખ લોકોને લગભગ 48 કલાક સુધી પાણીની વેદના વેઠવી પડી. એક વાર આ વાલ્વ તૂટે એટલે ત્રણથી ચાર દિવસ ઓછા દબાણથી પાણી મળે અને લોકોને તંગી વેઠવી પડે અને સંપત્તિને નુકશાન પહોંચાડી, અમૂલ્ય પાણી વેડફી અને લોકોને મુશ્કેલીમાં મૂકવાની ઘોર બેદરકારી આચરનારા સામે પાલિકાએ કયા પગલાં લીધા? પોલીસ ફરિયાદ કરી કે નહિ? કોઈ દંડ વસુલ્યો કે નહિ ? આ અંગે પાલિકાએ કયારેય કોઇ જાણકારી જાહેર કરી નથી.
એર વાલ્વએ એક સંવેદનશીલ ઘટક છે તો પછી એ સુરક્ષિત અને સંરક્ષિત રહે એ પ્રકારની વાડ કે અન્ય સુરક્ષા જાળી કેમ લગાવવામાં આવતી નથી ? એ પ્રશ્ન છે અને જ્યાં આ પ્રકારની પ્રોપર્ટી હોય ત્યાં ચેતવણીના બોર્ડ મૂકવામાં આવે છે ખરા? ખરેખર તો આ પ્રકારની પ્રોપર્ટીને નુકશાન પહોંચાડનાર અને લાખો લોકોને મુશ્કેલીમાં મૂકનાર સામે માત્ર મ્યુનિસિપલ કાયદાઓ હેઠળ દંડ કરવાને બદલે ક્રિમીનલ કેસ કરવો વધુ યોગ્ય ગણાય.
જો કે આ દિશામાં કશુંક થાય એવું અત્યારે તો લાગતું નથી અને લોકો પાસે તો મુશ્કેલીઓ વેઠવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જણાતો નથી.