અફઘાનિસ્તાનના પાકિસ્તાન પરના ઐતિહાસિક વિજયમાં વડોદરાના પૂર્વ ક્રિકેટરનો પણ ફાળો

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
અફઘાનિસ્તાનના પાકિસ્તાન પરના ઐતિહાસિક વિજયમાં વડોદરાના પૂર્વ ક્રિકેટરનો પણ ફાળો 1 - image

વડોદરાઃ ભારતમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે સોમવારે રમાયેલી મેચમાં આઠ વિકેટે મેળવેલી ઐતિહાસિક જીતની ચારે તરફ ચર્ચા છે.

અફઘાનિસ્તાનની જીતમાં બે ભારતીયોનુ પણ યોગદાન છે.આ પૈકી એક વડોદરાના પૂર્વ ક્રિકેટર છે.અફઘાનિસ્તાન ટીમ સાથે મેન્ટર તરીકે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર અજય જાડેજા જોડાયેલા છે.જ્યારે વડોદરા વતી રણજી ટ્રોફી રમનારા પૂર્વ વિકેટકીપર બેટસમેન મિલાપ મેવાડા અફઘાનિસ્તાનના બેટિંગ કોચ છે.

મળતી વિગતો પ્રમાણે અફઘાનિસ્તાનની ટીમે ઓગસ્ટ મહિનામાં જ્યારે બાંગ્લાદેશના  પ્રવાસે ગઈ હતી ત્યારે તેમની બેટિંગ કોચ તરીકે  નિમણૂંકની જાહેરાત કરવામાં આવી હતી.મિલાપ મેવાડા વડોદરાની ટીમ વતી ૧૯૯૬ થી ૨૦૦૫ દરમિયાન રણજી ટ્રોફીમાં રમી ચુકયા છે.તેમણે પોતાની કેરિયરમાં ૧૧ ફર્સ્ટ ક્લાસ અઅને ૨૬ લિસ્ટ- એ મેચો રમી છે.

આ પહેલા મેવાડા ભારતમાં જમ્મુ કાશ્મીર, હૈદ્રાબાદ સહિતની કેટલાક રાજ્યોની ટીમ સાથે પણ કામ કરી ચુકયા છે.તેમના માર્ગદર્શનમાં જમ્મુ કાશ્મીરની ટીમ ૨૦૧૯-૨૦ની રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી.એક તબકકે મિલાપ મેવાડા  વડોદરાની ટીમના હેડ કોચ બનવાની રેસમાં સામેલ હતા.જોકે બરોડા ક્રિકેટ એસોસિસેશને તેમની જગ્યાએ મુકુંદ પરમાર  પર પસંદગી ઉતારી હતી.

અફઘાનિસ્તાનની વર્લ્ડકપમાં પહેલા ઈંગ્લેન્ડ અને હવે પાકિસ્તાન પર જીતના કારણે ટીમ સાથે જોડાયેલા મિલાપ મેવાડાનુ નામ પણ હવે રાતોરાત ચર્ચામાં આવી ગયુ છે.અફઘાનિસ્તાન સામેની હાર બાદ પાકિસ્તાનનો સેમિ ફાઈનલમાં પહોંચવાનો રસ્તો પણ મુશ્કેલ બની ગયો છે.



Google NewsGoogle News