ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષ કેદની સજા ફટકારતી અદાલત
- ફરિયાદીએ મિત્રતામાં આરોપીને 6.50 લાખની મદદ કરી હતી
વડોદરા,તા.28 ડિસેમ્બર 2023,ગુરૂવાર
ફરિયાદીએ આરોપીને મિત્રતાના નાતે ધંધાર્થે કરાર થકી વગર વ્યાજે ટુકડે ટુકડે રૂ.6.50 લાખની મદદ કર્યા બાદ તે રકમ પરત અંગેના ચેક રિટર્ન કેસમાં અદાલતે બંને પક્ષોની સુનાવણી અને પુરાવાની ચકાસણી બાદ ફરિયાદ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા બે લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ ખાતે રહેતા ફરિયાદી કનૈયાલાલ રમેશચંદ્ર ઠક્કર અને આરોપી ધ્રુમેશ ગોપાલભાઈ શાહ (રહે -ઉદ્યોગ નગર સોસાયટી, પાણીગેટ, વડોદરા) વચ્ચે મિત્રતા હોય વર્ષ 2011 દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી ધંધાર્થે રૂ. 6.50 લાખની રકમ વગર વ્યાજે કરાર થકી ટુકડે ટુકડે લીધી હતી. સમય મર્યાદા વિતવા છતાં રકમ પરત આપી ન હતી. અને વર્ષ 2017 દરમિયાન આપેલ ચેકો પણ બેંકમાં ડિપોઝિટ કરતા રિટર્ન થયા હતા. જે અંગે વકીલ મારફતે નોટિસની બજવણી કરવા છતાં આરોપીએ નોટિસનો જવાબ આપ્યો ન હતો. જેથી વર્ષ 2017 દરમ્યાન ફરિયાદીએ આરોપી સામે ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 મુજબ કેસ કર્યો હતો. જેની સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એસ.જી. સુખવાની અને આરોપી પક્ષ તરફે ધારાશાસ્ત્રી કે.પી.ચૌહાણએ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ 16 માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જૈમીન અશોકભાઈ પટેલએ નોંધ્યું હતું કે, આરોપીના ખાતાનો ફરિયાદ વાળો ચેક ફરિયાદીના કાયદેસરના લેણાની ચુકવણી પેટે તથા આરોપીના કાયદેસર રીતે વસૂલ થઈ શકે તેવા દેવાની ચુકવણી પેટે ફરિયાદીને આપેલ છે તે હકીકત ફરિયાદ પક્ષ ની:શંકપણે પુરવાર કરેલ છે. આવા પ્રકારના ગુનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું હોય અંકુશ રાખવો જરૂરી છે.