Get The App

વડોદરાના વકીલે કોરોનામા મિત્રને મદદ કરી : નાણાં પરત નહીં કરતા એક વર્ષની કેદ : બમણી રકમ ચૂકવવા અદાલતનો હુકમ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
વડોદરાના વકીલે કોરોનામા મિત્રને મદદ કરી : નાણાં પરત નહીં કરતા એક વર્ષની કેદ : બમણી રકમ ચૂકવવા અદાલતનો હુકમ 1 - image


Vadodara News : વડોદરામાં રહેતા વકીલે કોરોનાના કપરા સમયમાં મિત્રતાના નાતે અઢી લાખની આર્થિક મદદ કર્યા બાદ મિત્રએ આપેલ તે નાણા પરત અંગેના ચેક રિટર્ન સંદર્ભેના બે અલગ અલગ  કેસોમાં અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ સાથે ચેકની બમણી રકમ ચૂકવવા હુકમ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, શહેરના વારસિયા રીંગરોડ ખાતે રહેતા ફરિયાદી નરેન્દ્ર મિશ્રા વકીલાત વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમના મિત્ર અને નોકરી કરતા સિંધા ઘનશ્યામસિંહ માધવસિંહ (રહે- સેક્ટર 2,પેટ્રો કેમિકલ ટાઉનશીપ,વડોદરા) ને કોરોનાકાળ દરમિયાન આર્થિક તંગી ઉદ્ભવતા તેમણે નરેન્દ્ર મિશ્રા પાસે હાથ ઉછીની રકમ માંગી હતી. જેથી નરેન્દ્ર મિશ્રાએ મિત્રતાના નાતે અઢી લાખ રૂપિયાની મદદ કરી હતી. વર્ષ 2021 એપ્રિલ માસ દરમિયાન બે લાખ રૂપિયા આરટીજીએસ થકી અને 50 હજારની રકમ રોકડમાં આપી હતી. સમય મર્યાદા વીતવા બાદ તેમણે મિત્ર પાસે ઉછીના આપેલ નાણાં પરત કરવાની માંગ કરતા મિત્રએ ઉછીની રકમ પરત કરવા આપેલ ચેક બેંકમાં જમા કરાવતા ફંડના અભાવે રિટર્ન થયા હતા. નોટિસ બજવણી થતા આરોપીએ નોટિસનો અસ્વીકાર કર્યો હતો. જેથી ફરિયાદીએ આખરે ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટસ્ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

જે અંગેના કેસની સુનાવણી પાંચમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જાગૃતિ અમૃતલાલ પરમારની અદાલતમાં હાથ ધરાતા ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી યુ.પી. ગુપ્તે અને આરોપી તરફે ધારાશાસ્ત્રી વી.ટી. યાદવએ દલીલો કરી હતી. સુનાવણી દરમિયાન આરોપીને પોતાનો પક્ષ રાખવા 15 દિવસની મુદત આપવા છતાં અને વોરંટ બજાવવા છતાં આરોપી તપાસમાં સહકાર ન આપી અદાલતને ગેરમાર્ગે દોરી રહ્યો હતો.  બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ અદાલતે આરોપીને આ બંને ચેક રીટનના કેસમાં દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ સાથે બંને ચેકની ડબલ રકમ 4.60 લાખ ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો હતો.


Google NewsGoogle News