વડોદરા કોર્પોરેશન અટલ બ્રિજ નીચે પિલરના ભાગમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરશે
Vadodara Atal Bridge : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબો 230 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવ્યો છે. આ ઓવરબ્રિજ નીચે પાર્કિંગ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઈજારો આપવા માંગે છે. પાર્કિંગનો ઇજારો માસિક લાઇસન્સ ફી થી એક વર્ષની મુદત માટે આપવામાં આવશે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે છ હિસ્સામાં પીલર વેચી દેવાયા છે અને એ મુજબ પાર્કિંગની સુવિધા ઉભી કરવા ઈજારો હરાજીથી આપવા નક્કી કર્યું.
આ બ્રિજ 20 મહિના પહેલા જ ખુલ્લો મુકાયો છે. આ બ્રિજ નીચે 135 પિલર છે. આ વિસ્તારમાં ટ્રાફિકની અને પાર્કિંગની ખૂબ જ સમસ્યા રહેતી હોવાથી પિલર નીચેના ભાગમાં પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવા કોર્પોરેશને વિચાર્યું છે. 135 માંથી 38 પિલર નીચેના ભાગમાં પાર્કિંગ રાખવામાં આવશે. જેમાં પિલર નંબર 12 થી 19 મનીષા ચોકડી, પિલર નંબર 32 થી 37 હનુમાનજી મંદિર પાસે, પિલર નંબર 49 થી 52 મલ્હાર, પિલર નંબર 60 થી 65 ચકલી સર્કલ અને પિલર નંબર 87 થી 93 આંબેડકર સર્કલ ખ અને પીલર નંબર 129 થી 135 ગેંડા સર્કલ ખાતે આ સુવિધા ઉભી કરાશે. પિલરના દરેક વિભાગ મુજબ ડિપોઝિટની જુદી-જુદી રકમ અને અપસેટ વેલ્યુ રાખવામાં આવી છે. ઇજારદારોને જરૂરી પુરાવા અને ડિપોઝિટ સાથે તારીખ 20 ઓગસ્ટ સુધીમાં કોર્પોરેશનની જમીન મિલકત અમલદારની ઓફિસમાં અરજી પત્રકો મોકલી આપવા જણાવ્યું છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે આ ચોથી વખત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઇજારા માટે હજુ સફળતા મળી નથી.