વડોદરા કોર્પોરેશન ૨૪થી વધુ ઈ-ચાર્જિંગ સ્ટેશનો ઊભા નહીં કરે
કોર્પોરેશનની સમગ્ર સભામાં વિપક્ષે દરખાસ્ત મૂકતા વોટિંગ થયું, બહુમતીથી મંજૂર થઈ
વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સમગ્ર સભામાં બહુમતીના જોરે વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટેની દરખાસ્ત મંજૂર થઈ છે. ચાર્જિંગ સ્ટેશનો મુદ્દે કોંગ્રેસે દરખાસ્ત મૂકતા તેના પર વોટિંગ થયું હતું, જેમાં કોંગ્રેસની દરખાસ્ત વોટિંગમાં ઊડી ગઈ હતી.
સરકારની ઈલેકટ્રિક વ્હીકલ પ્રોત્સાહન યોજના હેઠળ વડોદરામાં ૧૦૦ થી વધુ ઈલેકટ્રિક બસ દોડાવવાનું વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરૃ કરવા માટે કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી અગાઉ ઓફરો પણ મંગાવી હતી. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર કોર્પોરેશનને સહાય કરનાર છે. આ કામ પીપીપી ધોરણે કરાશે.
કોર્પોરેશનની જગ્યા પર રેવન્યૂ શેરિંગ મોડલ આધારિત ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે. એટલે (અદાણી ટોટલ એનર્જીસ ઈમોબિલિટિ લિ.) દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળે ૨૦થી વધુ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા દરખાસ્ત કરી હતી. જેનું ૧૦ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ આ કંપની કરાશે. ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના ૧ યુનિટ દીઢ દોઢ રૃપિયો પ્રથમ ૬ વર્ષ માટે અને ત્યારબાદ એક યુનિટના બે રૃપિયા બાકીના વર્ષે માટે કોર્પોરેશનને રેવન્યૂ સેરિંગ પેટે આપશે. જો કે સભો ઠરાવ્યું હતું કે, ૨૪થી વધુ ચાર્જિંગ સ્ટેશનો નહીં ઊભા કરાય. કુલ વીજ વપરાશ બિલ પણ અટેલ દ્વારા ભરાશે. આમાં કોર્પોરેશનને કોઈ ખર્ચ થશે નહિં. હાલ એક યુનિટના ૧૭ રૃપિયા લેવાય છે. ૧ યુનિટ દીઢ ૮.૮૨ ટકા ૬ વર્ષ માટે અને ત્યારબાદ ૧૧.૭૬ ટકા મુજબ વસુલ કરવામાં આવશે. રૃા.૭ના ૮.૮૨ ટકા એટલે કે દોઢ રૃપિયો થાય છે. કંપની ભવિષ્યમાં જો યુનિટના ભાવ વધારે તો તે ભાવના ૮.૮૨ ટકા કોર્પોરેશનને મળશે. આ ઉપરાંત કાર્બન ક્રેડિટમાં કંપનીને જે નફો થાય તેમાં ૪૦ ટકા કોર્પોરેશનને અને ૬૦ ટકા કંપનીને મળશે.
કોંગ્રેસે જે દરખાસ્ત મૂકી હતી તેમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન માથે કોઈ ખર્ચનું ભારણ નથી, પરંતુ જે જમીન કોર્પોરેશને આપી છે, તેની કિમત હોય છે. વડોદરા ગેસ લિમિટેડ પાસે જ્યારે કન્ફર્મ થયું ત્યારે માર્કેટ ભાવે જમીન ભાવ ગણી કોર્પોરેશનનું કોન્ટ્રિબ્યુશન ગણવામાં આવ્યું હતું, તે જ પ્રમાણે અટેલ પાસે માર્કેટ ભાવે જમીનનું ભાડું વસૂલવામાં આવે અને જમીનના બદલામાં કોર્પોરેશનના તમામ ઈલેકટ્રિક વાહન ફ્રી ઓફ કોસ્ટ ચાર્જિંગ કરી આપે.