વડોદરામાં રખડતા ઢોર પકડીને રાખવા માટે 14 કરોડના ખર્ચે વ્યવસ્થા ઊભી કરાશે

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
વડોદરામાં રખડતા ઢોર પકડીને રાખવા માટે 14 કરોડના ખર્ચે વ્યવસ્થા ઊભી કરાશે 1 - image


Cattle Act Vadodara Corporation : ગુજરાત હાઈકોર્ટના નિર્દેશાનુસાર, રાજયની મહાનગરપાલિકાઓને રખડતાં ઢોર નિયંત્રણ અંતર્ગત અત્યાધુનિક સુવિધાઓ સાથે નવિન ઢોરવાડા ઊભા કરવા, હાલ કેટલ પોન્ડ અથવા ઢોરવાડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની સહાય માટે નાણાકીય વર્ષ 2024-25 ની જોગવાઈ માટે સૈધ્ધાંતિક મંજૂરી મેળવવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ થઈ છે. વડોદરા કોર્પોરેશનની દબાણ અને સિક્યુરીટી વિભાગ હસ્તક ઢોર પાર્ટી દ્રારા શહેરના જાહેર માર્ગો ઉપરથી રખડતાં પશુઓને પકડી લાલબાગ, ખાસવાડી તથા ખટંબા સ્થિત ઢોર ડબ્બા (1અને 2) ખાતે રાખવામાં આવે છે.

વડોદરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વધતા હાઈકોર્ટના નિર્દેશાનુસાર, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં હાલ કેટલ પોન્ડ અને ઢોરવાડાઓમાં મૂળભૂત સુવિધાઓ વિકસાવી તેની ક્ષમત્તામાં વધારો કરવા તથા અત્યાધુનિક સુવિધાઓ સાથે નવિન ઢોર-વાડા ઉભા કરવા જરૂરી સૂચના આપવામાં આવેલ છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા વર્ષ 2022-23 માટે 2 કરોડ તથા વર્ષ 2023-24 માટે 4 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ, 2024-25 માટે મ્યુનિસિપલ કોર્પોરેશનોને હાલના કેટલ પોન્ડસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 36 કરોડની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. જેમાંથી વડોદરાને પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ રાખી છે.

સરકાર દ્રારા સૂચવ્યા અનુસાર અત્યાધુનિક સુવિધાઓ સાથેના નવિન ઢોર-ડબ્બા (ખટંબા નં.-2 અને 3 તેમજ અન્ય ઢોર ડબ્બા) ના નિર્માણ તથા હયાત ઢોરડબ્બા (લાલબાગ, ખાસવાડી, ખટંબા-1) માં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રીનોવેશન માટે આશરે 14 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. જેમાં ખટંબા નંબર બે અને ત્રણ માં 2.50 હેક્ટરમાં 1150 ઢોર રાખવાની કેપેસિટી થઈ શકશે અને આ માટે 11 કરોડનો ખર્ચ થશે. ખાસ વાડી ઢોર ડબ્બામાં રિનોવેશનની કામગીરીમાં 0.50 હેક્ટરમાં વધુ 500 પશુઓ રાખી શકાશે, અને એ માટે 2 કરોડનો ખર્ચ થશે. ખટંબા નંબર 1માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રીનોવેશનની કામગીરી 0.75 હેક્ટરમાં 1 કરોડના ખર્ચે થશે અને 400 પશુઓ રાખી શકાશે. આમ, કુલ 3.75 હેક્ટરમાં 14 કરોડનો ખર્ચ થશે, અને 2050 પશુઓ રાખી શકવાની વ્યવસ્થા ઉભી થશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રખડતા ઢોર નિયંત્રણ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ હેઠળ આ કામગીરી સંદર્ભે દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ને રજુ કરવાની હોવાથી સ્ટેન્ડિંગ સમિતિની સૈદ્ધાંતિક મંજૂરી માંગવામાં આવી છે.


Google NewsGoogle News