Get The App

વડોદરા કોર્પોરેશન દર્દીઓના એક્સ-રે તપાસી તેના રિપોર્ટિંગ માટે AIનો ઉપયોગ શરૂ કરશે

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશન દર્દીઓના એક્સ-રે તપાસી તેના રિપોર્ટિંગ માટે AIનો ઉપયોગ શરૂ કરશે 1 - image

image : Freepik

- ત્રણ મહિનાના ટ્રાયલમાં રિપોર્ટિંગની ચોકસાઈ ખૂબ ઊંચી રહી

- કોર્પોરેશનને એક્સ-રે ફિલ્મનો ખર્ચ ઘટશે

- દર્દીને એક્સ-રેની સોફ્ટ ઈમેજ તેના ફોનમાં મળી જશે 

વડોદરા,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના છાણી, માંજલપુર, અટલાદરા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ ખાતે દર્દીઓના એક્સ-રે લેવાની પણ સુવિધા છે. એક્સ-રે લીધા બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના સહયોગથી ટેલીરેડિયોલોજીના માધ્યમથી એક્સ-રે રિપોર્ટિંગ કરવાની સુવિધા શરૂ કરવામાં આવશે. કોર્પોરેશન આ માટે 20 લાખના ખર્ચની મર્યાદામાં એક્સ-રે રિપોર્ટિંગનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપનાર છે. જે માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થઈ છે. 

કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.દેવેશ પટેલના કહેવા અનુસાર કોન્ટ્રાક્ટ મુજબ પ્રતિ એક્સ-રેનો રૂપિયા 50 ખર્ચ થશે. હાલ એક્સ-રે ફિલ્મ ડેવલપ કરવાનો ખર્ચ 85 થી 90 થાય છે. AIના સોફ્ટવેરથી એક્સ-રે ફિલ્મ ડેવલપ કરવાના ખર્ચમાં પણ ઘટાડો થશે. આ ઉપરાંત એક્સ-રે ફિલ્મની જરૂર નહીં રહે તેમ જ એક્સ-રે રિપોર્ટિંગ તૈયાર કરવા રેડિયોલોજિસ્ટો પર આધાર રાખવો નહીં પડે. એક્સ-રે રિપોર્ટિંગ માટે AIના ઉપયોગનો વિચાર કોર્પોરેશન છેલ્લા ત્રણ મહિનાથી કરી રહ્યું છે અને આ માટે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં AIના ઉપયોગથી એક્સ-રે રિપોર્ટિંગ માટે ટેકનોલોજીનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં આ સિસ્ટમ છાતીના એક્સ-રે માટે કરાશે અને ત્યારબાદ શરીરના બીજા અંગોના પણ એક્સ-રેના રિપોર્ટિંગ અર્થે ઉપયોગમાં લેવાશે. હાલ જે ટ્રાયલ ચાલી રહી છે તેમાં AI રિપોર્ટિંગનું કામ સંતોષકારક રહ્યું છે અને તેની ચોકસાઈ પણ ખૂબ જ ઊંચી રહી છે. આ સિસ્ટમમાં દર્દીનો એક્સ-રે લેવાયા બાદ AI ના સોફ્ટવેર દ્વારા તેનું મૂલ્યાંકન કરી અને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અને આ રિપોર્ટ આરોગ્ય વિભાગના કોમ્પ્યુટર પર મોકલી આપવામાં આવે છે. જો દર્દી તેના પોતાનો મોબાઈલ નંબર પણ આપે તો એક્સ-રે ની ઈમેજ અને રિપોર્ટ પણ તેને મોબાઈલ ફોન પર મોકલી શકાશે. દર્દીના એક્સ-રે અને રિપોર્ટના આધારે ડોક્ટર દર્દીની સારવાર કરી શકશે. 

જો જરૂર પડે તો રેડીયોલોજીસ્ટના અભિપ્રાય માટે પણ દર્દી મોકલી શકશે. લાંબા સમયગાળા દરમિયાન દર્દીના વધુ એક્સ-રે લેવામાં આવ્યા હોય તો એ એક્સ-રે દર્દીના દર્દની સરખામણી માટે પણ મળી શકશે. ખાસ કરીને ટીબીના દર્દીઓ માટે આ વધુ ઉપયોગી રહેશે. દર્દીને એક્સ-રે ફિલ્મ સાથે લઈને ફરવાની પણ જરૂર નહીં પડે કારણ કે એક્સ-રે ની સોફ્ટ ઈમેજ તેના ફોનમાં સાથે જ હશે.



Google NewsGoogle News