વડોદરા શહેરને સુશોભિત બનાવવા કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરાઈ

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
વડોદરા શહેરને સુશોભિત બનાવવા કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરાઈ 1 - image


- કમાટીબાગ રોડ પર બુક અને પેન્સિલની કલાકૃતિ સ્થાપિત કરી

- રેલવે સ્ટેશન પાછળ વડની પ્રતિકૃતિ મુકાશે

- ગોલ્ડન ચોકડી પાસે વી આકારની કલાકૃતિ મૂકી

- બ્રિજ પર ફૂલ છોડના કુંડા મુકાયા 

- શહેરના ચારેય ઝોનમાં 160 સુકાયેલા ઝાડ કાપવાના બદલે સુશોભિત રંગવામાં આવી રહ્યા છે

વડોદરા,તા.04 નવેમ્બર 2023,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં એક બાજુ સુકાઈ ગયેલા ઝાડને કાપવાના બદલે તેને ઓઇલ પેન્ટથી રંગીને સુશોભિત અને કલાત્મક બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ યુનિવર્સિટી કેમ્પસ વિસ્તારમાં કમાટીબાગ રોડ પર બુક અને પેન્સિલની કલાકૃતિ સ્થાપિત કરીને શહેરના એજ્યુકેશન હબ વિસ્તારની ઓળખ વધુ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કમાટી બાગના રોડ પર ગેટ નંબર એક પાસે અને હોમ સાયન્સ ફેકલ્ટીની દીવાલને અડીને આ બે કલાકૃતિ ઊભી કરવામાં આવી છે. જેમાં એક કૃતિ કલાત્મક ગોઠવેલી પેન્સિલોની છે. જેમાં સીટિંગ વ્યવસ્થા પણ છે. જ્યારે બીજી કૃતિ પુસ્તકોની છે. પુસ્તકો એકબીજા ઉપર ગોઠવીને મૂકીને કલાક્મક સ્વરૂપ આપવામાં આવ્યું છે. અહીં હજુ વધુ કલર કામ અને બાકી સિવિલ વર્ક કરીને તેને સુશોભિત કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આ ઉપરાંત રેલવે સ્ટેશનની પાછળ પશ્ચિમ બાજુ વડની પ્રતિકૃતિ ઊભી કરવાની છે. જે 360 ડીગ્રી રોટેડ રહેશે. આ સ્થળે લેન્ડસ્કેપિંગ પણ કરવામાં આવશે. જ્યારે ગોલ્ડન ચોકડી પાસે વી આકારની કલાકૃતિ મૂકવામાં આવી છે. જ્યાં વુડન બેઠકની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જોકે હજી રંગકામ સહિતની કામગીરી થોડી બાકી છે.

વડોદરા શહેરને સુશોભિત બનાવવા કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરાઈ 2 - image

કોર્પોરેશન દ્વારા શહેરને વધુ સુશોભિત કરવા કાલાઘોડા બ્રિજ પર છોડ સાથે 16 કુંડા આકર્ષિત ગોઠવવામાં આવ્યા છે. શહેરમાં આવા 36 કુંડા મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના દરેક ઝોનમાં 160 સુકાઈ ગયેલા ઝાડને કાપવાના બદલે ઓઇલ પેઇન્ટ થી કલર કામ કરી રંગીન અને કલાત્મક બનાવવાની કામગીરી હાલમાં ચાલુ છે.


Google NewsGoogle News