વડોદરાના પ્રતાપ નગર વિહાર ટોકીઝથી ડભોઇ રોડ સુધીનો રસ્તો 60 ફૂટનો કરવા કોર્પોરેશનની કસરત
વડોદરા,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર
વડોદરા શહેરના ગજરાવાડીથી ડભોઇ રોડ ભરત વાડી સુધી અને વિહાર સિનેમાથી ઇદગાહ મેદાન થઇ ગાજરાવાડી પાણીની ટાંકી અને ગણપતી મંદિર તરફ જવાના રસ્તામાં ફેરફાર કરી 60 ફુટ પહોળાઇનો બનાવવા અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે.
અત્રે યાદ આપવું જરૂરી છે કે ગુજરાત વિધાનસભાના દંડક દ્વારા યોજાયેલા લોક દરબારમાં સ્થાનિક રહીશોએ રસ્તો પહોળો કરવા માટે રજૂઆત કરી હતી ત્યારબાદ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે. સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, વડોદરા કોર્પોરેશનની હદમાં આવેલા ગાજરાવાડી પાણીની ટાંકીથી ડભોઇ રોડ ભરતવાડી સુધી ટીકા શીટ મંજૂર રસ્તા રેષામાં ફેરફાર કરી 60 ફુટ પહોળાઇની નવીન રસ્તા રેષા જી.પી.એમ.સી. એક્ટ 1949 ની કલમ 210(1) હેઠળ મંજુરી આપવી જરૂરી બની છે. વિહાર સિનેમા થી ઇદગાહ મેદાન થઇ ગાજરાવાડી પાણીની ટાંકીથી ડભોઇ રોડ ભરતવાડી સુધી ફેરફાર કરી 60' 0"ફુટ પહોળાઇની નવીન રસ્તા રેષાનુ આયોજન કરેલ છે. આ નવિન સૂચિત રસ્તા રેષા માટે જી.પી.એમ.સી. એક્ટ 1949 ની કલમ 210(1) હેઠળ જાહેર સૂચના આપી જાહેર જનતાના વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. એક માસની મૂદત દરમ્યાન કુલ 13 વાંધા અરજી આવી હતી.
એજ પ્રમાણે વડોદરા કોર્પોરેશનની હદમાં આવેલા વિહાર સિનેમા થી ઇદગાહ મેદાન થઇ ગાજરાવાડી પાણીની ટાંકી અને ગણપતી મંદિર તરફ રસ્તા રેષામાં ફેરફાર કરી 60 ફુટ પહોળાઇની નવીન રસ્તા રેષાને મંજૂરી આપવાની જરૂર છે. જે અંગે જાહેર સૂચના આપી જાહેર જનતાના વાંધા સૂચનો મંગાવવામાં આવેલ છે. એક માસની મુદત દરમ્યાન કુલ 2 વાંધા અરજી આવી હતી. આમ, આ સંજોગોમાં સૂચિત નવિન રસ્તા રેષાને જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ-210(1) હેઠળ મંજૂરી આપવા કમિશનરે ભલામણ કરી છે.