વડોદરામાં આજવા સરોવરની મેન્ટેનન્સની કામગીરી માટે કોર્પોરેશને પોતાનો કાયમી સ્ટાફ રાખવો જોઈએ
- આવી મહત્વની કામગીરી દર વર્ષે બદલાતા ઈજારદાર પાસે નહીં કરાવવાની રજૂઆત છતાં કોર્પોરેશન તેને ગંભીરતાથી લેતું નથી
વડોદરા,તા.07 માર્ચ 2024,ગુરૂવાર
વડોદરામાં પીવાનું પાણી પાડતા મહત્વના સ્ત્રોત પૈકીના એક ઐતિહાસિક આજવા સરોવર કે જે અર્ધન ડેમ કહેવાય છે, તેની નિભાવણી માટે કાયમી સ્ટાફ હોવો જોઈએ. આટલી અગત્યની કામગીરી માટે ક્યારેય પણ કોન્ટ્રાક્ટ આપી શકાય નહીં. અર્ધન ડેમનું મેન્ટેનન્સનું કામ ટેકનીકલી અને જાણકાર સ્ટાફ પાસે કરાવવું જોઈએ . તાજેતરમાં આજવા સબ ડીવીઝન માટે 80 લાખની નાણાંકીય મર્યાદામાં કોન્ટ્રાકટ બેઝ વાર્ષિક ઇજારાથી ઓપરેટર અને મજુર લેવાનુ કામ સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરેલું છે. પુરવઠા પ્રોજેકટનો સૌથી અગત્યનો વિભાગ એટલે આજવા સબ ડીવીઝન છે. વડોદરા શહેરની અડઘા ઉપરાંતની વસ્તીને શહેરના આજવા સરોવર ખાતેથી પાણી પુરુ પાડવામાં આવે છે. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની અણમોલ ઘરોહર અને ભેટ આ આજવા સરોવર છે, અને તેની નિભાવણી માટે કોર્પોરેશનનો પોતાનો સ્ટાફ હોય તો જ તેની નિભાવણી વ્યવસ્થિત અને સારી રીતે થઇ શકે. જો વાર્ષિક ઇજારામાં ઓપરેટર અને મજુર લેવામાં આવે તો દર વર્ષે ઇજારદાર બદલાય જાય અને ઓપરેટર, મજુર અને સ્ટાફ પણ બદલાઇ જાય. કોર્પોરેશન પોતે આ કામ કરે તો કોર્પોરેશનના અનુભવી સ્ટાફથી નિભાવણી પણ વ્યવસ્થિત થાય અને કોર્પોરેશનને લાંબા ગાળે ફાયદો થાય. આજવા સબ ડીવિઝનની નિભાવણીની કામગીરી માટેના સ્ટાફની ભરતી કરી કોર્પોરેશન પોતે પોતાના સ્ટાફથી જ આ આ કામ કરે એ જરૂરી છે. બિન અનુભવી સ્ટાફથી નુકસાન થાય તો છેવટે ભોગવવાનું તો કોર્પોરેશનને થશે, તેમ જણાવતા વિપક્ષના નેતાએ કહ્યું હતું કે આ મુદ્દે રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન તેને ગંભીરતાથી લેતું નથી અને દરખાસ્ત મંજૂર કરી દીધી છે.