વડોદરામાં વ્રજ સિદ્ધિ ટાવરની 125 દુકાનો અને ઓફિસોને સીલ મારતું કોર્પોરેશન : વેપારીઓનો વિરોધ
Fire Safety Drive by VMC : વાહન વ્યવહાર અને ટ્રાફિકથી ધમધમતા રાજમહેલ રોડ પર આવેલ વ્રજ સિદ્ધિ ટાવરને નોટિસ અપાયાના દસ દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતા ગઈકાલે ફરી બિલ્ડીંગ યુઝ પરમિશન નથી તેવી નોટિસ આપવામાં આવ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા આજે તમામ દુકાનો ઓફિસોને સીલ મારવામાં આવ્યા છે. આ ટાવરમાં 70 થી વધુ તો મોબાઈલ ફોનની દુકાનો છે. જ્યારે અનેક ઓફિસો સહિત 125 જેટલી મિલકતોને તંત્ર દ્વારા સીલ મારવામાં આવતા અનેક વેપારીઓ દ્વારા આક્રોશ સાથે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થયેલી ગેમઝોન દુર્ઘટનામાં અનેક બાળકો સહિત કેટલાય લોકો જીવતા ભુંજાયા હતા. પછી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા રાજ્ય સરકાર દ્વારા ઠેર-ઠેર ફાયર એનઓસી સહિતની વિવિધ મંજૂરીઓ બાબતે ચકાસણીના સઘન આદેશો આપવામાં આવ્યા હતા. પરિણામે શહેર-જિલ્લામાં પણ એક્શનમાં આવેલા પાલિકાના ફાયર વિભાગ દ્વારા સઘન ચકાસણી શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારથી જ વિવિધ વિસ્તારમાં જુદી જુદી ટીમો ચકાસણી અર્થે નીકળી પડતી હતી. જેમાં કેટલાય કોમ્પલેક્સો બહુમાળી મકાનો, મલ્ટિપ્લેક્સ બિલ્ડીંગો, ધાર્મિક સ્થળો હોસ્પિટલો સહિત ઠેકાણે ચકાસણી કરવામાં આવી હતી અને જેમની પાસે અપૂરતા પુરાવા હોય તેમ તે પૈકીના કેટલાયને નોટિસો ફટકારવા સહિત સીલ મારવાની પણ કામગીરી ફાયરની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવી હતી. આવી જ રીતે જિલ્લામાં પણ અન્ય ટીમ સક્રિય સક્રિય થઈને ઠેર-ઠેર નોટિસો અને સીલ મારવાની કામગીરીમાં લાગી ગઈ હતી.
દરમિયાન રાજમહેલ રોડના વાહન વ્યવહારથી ધમધમતા અને લોકોની ચહલવાળા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે વ્રજ સિદ્ધિ ટાવર આવેલું છે. આ ટાવરમાં 70થી વધુ મોબાઈલ ફોન અને રીપેરીંગની દુકાનો આવેલી છે. આ ઉપરાંત અન્ય કેટલાય વેપારીઓ અને કંપનીઓની ઓફિસો પણ આવેલી છે. આ ટાવરમાં અગાઉ પાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ઓક્યુપ્રેશન સર્ટિફિકેટ અને ફાયર એનઓસી અનેક દુકાનદારો અને ઓફિસ ધારકો પાસે ન હતી. પરિણામે આ તમામને 10 દિવસ અગાઉ નોટિસો ફટકારવામાં આવી હતી. નોટિસોમાં જણાવ્યા મુજબની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો નિયત સમય મર્યાદા બાદ તમામ ઓફિસો દુકાનોને સીલ મારવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી.
નિયત સમય બાદ આજે ફરી એકવાર પાલિકાની ટીમ તપાસ માટે વ્રજ સિદ્ધિ ટાવરમાં પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન અનેક દુકાનો અને મોબાઇલ ધારક વેપારીઓ સહિત અનેક ઓફિસ સંચાલકો પાસે નોટિસ સંદર્ભે કોઈ કામગીરી નહીં થયાનું જણાયું હતું. જેથી પાલિકા તંત્રના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા વ્રજ સિદ્ધિ ટાવરની તમામ મોબાઇલ ફોનની 70 દુકાનો સહિત અનેક ઓફિસો મળી 125 થી મિલકતોને સીલ કરી દેવા હતી. આ કામગીરી દરમિયાન ઉશ્કેરાયેલા વેપારીઓ દ્વારા પાલિકા અધિકારીઓ સાથે બોલાચાલી-રકઝક કરવામાં આવી હતી. જોકે ઘટના સ્થળે કાયદો અને વ્યવસ્થા જાળવવા અગાઉથી પોલીસ બંદોબસ્ત હોવાથી મામલો કાબુમાં લેવાયો હતો.