ઢોર પાર્ટી પર થયેલા હુમલા બાદ તંત્ર એક્શનમાં : 20 જેટલા ઢોરવાડાને નોટીસ આપી
વડોદરા,તા.27 માર્ચ 2024,બુધવાર
ધુળેટીની રાત્રિના શહેરના સમા વિસ્તારમાં રસ્તે રખડતા ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટી પર થયેલા હુમલા બાદ પાલિકા તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે અને સમા તથા છાણી વિસ્તારમાં આવેલા 20 ઢોરવાડાને તેમની મંજૂરી અને પશુના ટેગ તાત્કાલિક ધોરણે રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
ધુળેટીની રાત્રે ગાયો પકડવા ગયેલી ઢોર પાર્ટી પર સમા વિસ્તારમાં ગૌપાલકોએ હુમલો કર્યો હતો અને ગાયો છોડાવીને લઈ ગયા હતા. સમગ્ર બનાવવા મામલે આરોપીઓ વિરુદ્ધ તમા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે હવે પાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. પાલિકાની ઢોર પાર્ટીની ટીમે સમા વિસ્તારમાં નવરંગપુરા સોસાયટીમાં પાંચ, જાદવ પાર્કમાં 11 અને છાણી કેનાલ રોડ પર આવેલ ગણેશ નગરમાં ચાર જગ્યાએ ઉભા કરાયેલા ઢોરવાડાના માલિકોને તેમના વાડાની મંજૂરી અને તમામ પશુઓના ટેગ છે કે નહીં? તે તાત્કાલિક ધોરણે રજૂ કરવા ત્રણ દિવસનો સમયગાળો આપ્યો છે. ઉપરાંત ઢોર પાર્ટીએ કરેલી કાર્યવાહી મામલે સ્થાનિક વોર્ડ કચેરી અને સેનેટરી વિભાગને જાણ કરી નોટિસ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આગામી ત્રણ દિવસમાં 20 ઢોરવાડા પાસે જરૂરી લાયસન્સ અને કાગળ નહીં હોય તો તેઓના ઢોરવાડા અહીંથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.