વડોદરા કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 9400 થી વધુ ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા ફી પરત આપી દેવાશે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 9400 થી વધુ ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા ફી પરત આપી દેવાશે 1 - image


- કોર્પોરેશન 22 લાખથી વધુ ફી પાછી આપશે 

- ફી નું રિફંડ લેવા માટે ઉમેદવારોને તારીખ 10 નવેમ્બર સુધીમાં પોતાના બેંકની વિગતો પૂરી પાડવી પડશે 

વડોદરા,તા.28 ઓક્ટોબર 2023,શનિવાર

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની 552 જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ઓક્ટોબર તા.8ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે 9400 થી વધુ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા તેઓને 22 લાખથી વધુ પરીક્ષા ફી પાછી આપી દેવામાં આવનાર છે. કોર્પોરેશન દ્વારા આવા ઉમેદવારો પાસેથી પોતાના બેંકના એકાઉન્ટની જરૂરી વિગતો તારીખ 10 નવેમ્બર સુધીમાં મંગાવવામાં આવી છે. 

કોર્પોરેશનની વેબસાઈટ ઉપર લીંક ફોર જુનિયર ક્લાર્ક એપ્લિકેશન ફી રિફંડમાં આ વિગતો પૂરી પાડવાની રહેશે અને જેના આધારે ફી કોર્પોરેશન પરત આપી દેશે. જો આ તારીખ સુધીમાં વિગતો પૂરી પાડવામાં નહીં આવે તો ફી પાછી નહીં અપાય. કોર્પોરેશન દ્વારા આ માટે જે તે સમયે અરજીઓ મંગાવી ત્યારે રાજ્યભરમાંથી 1,35,793 ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા, જ્યારે કોર્પોરેશનમાં કરાર આધારિત ફરજ બજાવતા 28 ઉમેદવારોએ ઓફલાઈન ફોર્મ ભર્યા હતા. ઓનલાઇન અરજી કરનારા ઉમેદવારો પૈકી 1,18,746 ઉમેદવારોએ ફોર્મની સાથે 2,67,73,200 ફી તરીકે ભરેલા હતા. જ્યારે 17,047 ઉમેદવારો દ્વારા ફી ભરાઈ ન હતી. ઓફલાઈન અરજી ભરનારા 28 ઉમેદવારોએ 4600 ફી ભરી હતી. પ્રાથમિક પ્રાથમિક ચકાસણી કરતા 1,09,307 ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરાયું હતું. પ્રાથમિક ચકાસણીમાં ઓનલાઈન અરજી કરનાર 9,454 ઉમેદવારો તથા ઓફલાઈન અરજીના 13 ઉમેદવારોના ફોર્મ શૈક્ષણિક લાયકાતના આધારે રદ કરવામાં આવ્યા હતા. બિન અનામત જગ્યા માટે 1630 ઉમેદવારો દ્વારા 6,52,000 ફી ભરવામાં હતી, જ્યારે અનામત જગ્યા માટે 7824 ઉમેદવારોએ 15,64,800 ફી ભરી હતી. ઓફલાઈન અરજી કરનાર બિન અનામત ઉમેદવારમાંથી ચાર ઉમેદવારોએ 1600 ફી ભરી હતી. જ્યારે અનામત જગ્યા માટે ઉમેદવારોએ 1800 ફી ભરી હતી. અનામત ઉમેદવાર માટે 400 અને બિન અનામત માટે 200 રૂપિયા ફી રાખવામાં આવી હતી.


Google NewsGoogle News