વડોદરા કોર્પોરેશન દ્વારા હોળી ધુળેટી પર્વને અનુલક્ષીને ત્રીજે દિવસે પણ ચેકિંગ સઘન બનાવાયું
- ખજૂર, ચણા, સેવ વગેરેના નમૂના લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા
વડોદરા,તા.21 માર્ચ 2024,ગુરૂવાર
વડોદરામાં હોળી ધુળેટીના તહેવારોને અનુલક્ષીને વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધાણી, ખજૂર, ચણા, સેવ, હારડા વગેરેનું છેલ્લા ત્રણ દિવસથી ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. આજે પણ કેટલાક વિસ્તારોમાં સવારથી ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ ચેકિંગમાં કામે લાગી છે. ગઈકાલે શહેરના નવા યાર્ડ ,ગોત્રી રોડ, ઇલોરાપાર્ક, સુભાનપુરા વિસ્તારમાં 25 દુકાનો તેમજ લારીઓ અને પથારામાંથી ખજૂર, હળદર અને મીઠા વાળા ચણા, મોળા ચણા, કાબુલી ચણા, ઘઉંની સેવ વગેરેના 11 નમૂના લીધા હતા. ચેકિંગ દરમિયાન જે નમૂના લીધા છે તે તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.
વેપારીઓને અને ઉત્પાદક એકમોને ખાદ્ય પદાર્થોમાં સિન્થેટિક રંગોનો ઉપયોગ નહીં કરવા ખાસ સુચના આપવામાં આવી છે. જે નમૂના લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરી માંથી 14 દિવસે આવશે. જેમાં રિપોર્ટ અનુસાર કશું વાંધાજનક જણાશે તો તે મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચેકિંગ દરમિયાન વેપારીઓને સ્વચ્છતા જાળવવાની પણ ખાસ તાકીદ કરવામાં આવી રહી છે.