Get The App

સ્વચ્છતામાં નહીં બીમારીમાં વડોદરા કોર્પોરેશને બાજી મારી : સૌથી વધુ ડેન્ગ્યુ કેસ ધરાવતા દેશના 17 મહાનગરોમાં સમાવેશ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
સ્વચ્છતામાં નહીં બીમારીમાં વડોદરા કોર્પોરેશને બાજી મારી : સૌથી વધુ ડેન્ગ્યુ કેસ ધરાવતા દેશના 17 મહાનગરોમાં સમાવેશ 1 - image


Vadodara Corporation Dengue : વડોદરા શહેરમાં એક તરફ રોગચાળો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે ત્યારે બીજી તરફ પાલિકા તંત્ર સબ સલામતનો દાવો કરતું આવ્યું છે. આ વચ્ચે તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા દેશના સૌથી વધુ ડેન્ગ્યુ કેસ ધરાવતા 17 મહાનગરોમાં વડોદરા કોર્પોરેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશમાં સૌથી વધુ ડેન્ગ્યુ કેસ ધરાવતા મહાનગરોમાં ગુજરાતના વડોદરા ઉપરાંત અમદાવાદ અને સુરત શહેરનો સમાવેશ થાય છે. ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચારો વધી રહ્યો છે. સમગ્ર દેશમાં ડેન્ગ્યુના વાવરે ભારે હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે ડેન્ગ્યુના કેસની સમીક્ષા શરૂ કરી છે. જેમાં સૌથી વધુ કેસ ધરાવતા 17 મહાનગરોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં વડોદરા કોર્પોરેશન પણ આવી ગયું છે. ગુજરાતના અન્ય કોર્પોરેશનમાં અમદાવાદ અને સુરતનો સમાવેશ થાય છે.

સૂત્રોનું માનીએ તો જે 17 મહાનગરો છે. તેમાં દિલ્હીમાં એમસીડી, એનડીએમસી, કર્ણાટકમાં બેંગલુરુ, મહારાષ્ટ્રમાં ગ્રેટર મુંબઇ, પુને, નાસિક, નાગપુર અને થાણે, રાજસ્થાનમાં જયપુર, તમિલનાડુમાં ચેન્નાઈ, તેલંગાણામાં હૈદરાબાદ, ઉત્તર પ્રદેશમાં લખનઉ અને કાનપુર તથા પશ્ચિમ બંગાળમાં કોલકાટાનો સમાવેશ થાય છે. ત્યારે હવે વડોદરા કોર્પોરેશને શહેરમાં ડેન્ગ્યુનો ભરડો અટકાવવા તાત્કાલિક અસરકારક કામગીરી કરવી રહી. ત્યારે સ્વચ્છતામાં ટોપ 10માં નંબર ન લાવી શકનાર કોર્પોરેશને બીમારીમાં ટોપ 20માં પોતાનું સ્થાન બનાવી દીધું છે!

પૂરના પાણી ઓસર્યા પછી નદી કાંઠાના વિસ્તારોમાં મેલેરિયાના દર્દીઓ વધ્યા

શહેરમાં મચ્છરજન્ય રોગની સાથો સાથ પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. ગત દિવસોમાં ચોમાસાના કારણે શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માયા પછી નદી કાંઠાના વિસ્તારોમાં મેલેરિયાના નોંધપાત્ર કેસ વધી રહ્યા છે. ઉપરાંત નવાયાર્ડ ડી કેબીન તથા છાણી ટીપી 13 સુધીના પટ્ટામાં ઝાડાના સંખ્યાબંધ કેસ નોંધાઈ રહ્યા છે. અહીં બાળકો પણ રોગની ઝપટમાં આવ્યા છે.


Google NewsGoogle News