લોકસભાની ચૂંટણી બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં : 30 ઝુંપડા, બિનવારસી બંધ કેબિન મળી એક ટ્રક જેટલો સામાન કબજે
Vadodara Corporation News : લોકસભા વડોદરા બેઠકની સામાન્ય ચૂંટણી પૂરી થતાં જ પાલિકા તંત્ર ગેરકાયદે દબાણો સામે સક્રિય થઈ ગયું છે. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણોનો સફાયો કરી 30 જેટલા ઝુપડા, ખુરશી-ટેબલો સહિત પરચુરણ માલ સામાન કબજે લઈ પાલિકા સ્ટોરમાં જમા કરાવ્યો હતો.
શહેરના તમામ વિસ્તારોમાં ઠેર ઠેર ગેરકાયદે દબાણો બિલાડીના ટોપની થયા છે. વાહન વ્યવહાર સહિત રાહદારીઓને પણ ગેરકાયદે દબાણોને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા આવા ગેરકાયદે દબાણો સામે કોઈ પગલા લઈને દબાણો હટાવે ત્યારે પાલિકાની દબાણ શાખા ઘટના સ્થળેથી જતા જ દબાણ કરનારાઓ પુન: પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જતા હોય છે.
તાજેતરમાં લોકસભા વડોદરા બેઠકની સામાન્ય ચૂંટણી યોજાતા અગાઉ ગેરકાયદે દબાણો હટાવવા સામે પાલિકા તંત્ર દ્વારા બ્રેક મારવામાં આવી હતી. પરંતુ વડોદરામાં ચૂંટણી સંપન્ન થતા જ પાલિકા તંત્ર ફરી એક વખત એક્શન મોડમાં આવી ગયું છે.
વોર્ડ નં.13ના અધિકારીના નેજા હેઠળ દબાણ શાખાની ટીમ આ વિસ્તારમાં વહેલી સવારે ત્રાટકી હતી. લાડ ભવન તથા પોલો ગ્રાઉન્ડ આસપાસ બંધાયેલા 30 જેટલા ગેરકાયદે ઝૂંપડા, ગેરકાયદે પડેલી બિનવારસી લોખંડની કેબીન તથા ટેબલ ખુરશીઓ, બામ્બુના જથ્થા સહિત અન્ય પરચુરણ સામાન મળીને એક ટ્રક જેટલો માલ સામાન કબ્જે કરીને પાલિકા તંત્રના સ્ટોર ખાતામાં જમા કરાવ્યો હતો.