વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફ્રૂટના વિક્રેતાઓને ત્યાં દરોડા : 85 કિલો અખાદ્ય ફળનો નાશ
Food Checking in Vadodara : વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોકમાં આવેલ ફળફળાદીના વીક્રેતાઓને ત્યાં ધનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અંદાજે 55 જેટલી વખાણ, દુકાનોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. અહીં સડી ગયેલો 85 કિલો અખાધ ફ્રૂટનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
કોર્પોરેશનના ફુડ સેફટી વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુખાકારીને ધ્યાનમાં લઈ ગત શનિવારના રોજ ફ્રુટના મોટા બે બજારમાં ચેકિંગ ધરવામાં આવ્યું હતું. ફૂડ ઇન્સ્પેક્ટરો સહિતની અલગ અલગ આઠ ટીમોએ ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોક જ્યાં મોટા પ્રમાણમાં ફ્રુટના વિક્રેતાઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું. જ્યાં તપાસ દરમિયાન તેઓને કેરી, ચીકુ સહિતના સડેલા ફળ મળી આવ્યા હતા અને સ્થળ પર જ તેઓનો નાશ કરવામાં આવ્યો હતો.
કેરી પકવવા વપરાતી કાર્બાઇડની પડીકીઓ ક્યાંયથી પણ ન મળી !
નફો મેળવી લેવાના હેતુસર કેરીના કેટલાક વેપારીઓ ફળ પકવવા માટે કાર્બાઇડની પડીકી વાપરતા હોય છે પરંતુ આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરેલ તપાસમાં ખંડેરાવ માર્કેટ કે વેરાઈ માતા ચોકના કોઈપણ ફ્રુટના વેપારીને ત્યાંથી કાર્બાઇડની પડીકી મળી આવી ન હતી. આ મામલે અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધે જણાવ્યું હતું કે, એફએસએસઆઇ દ્વારા ઈથીલીન રાઇફરલને મંજૂરી આપવામાં આવી છે અને તેથી કેરી પકવવા ફ્રુટના વેપારીઓ હવે તેનો ઉપયોગ કરતા હોવાથી કાર્બાઇડની પડીકીઓ મળતી નથી.