વડોદરા કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે મેન હોલ અને કેચપીટની સફાઈની કામગીરી શરૂ કરી દેવાઈ

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે મેન હોલ અને કેચપીટની સફાઈની કામગીરી શરૂ કરી દેવાઈ 1 - image


Pre Monsoon Work in Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક પ્રીમોનસુનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મેન હોલ, કેચપીટ, વરસાદી ચેનલની કામગીરીનો સમાવેશ થાય છે અને આગામી બે મહિનામાં તમામ કાર્ય પૂરું કરી દેવામાં આવશે તે પ્રમાણે આયોજન હાથ ધરાશે. શહેરમાં 41 હજારથી વધુ મેન હોલ અને અંદાજે 33,000 કેચપીટ છે. વરસાદ જ્યારે પડે ત્યારે મેન હોલ અને કેચપીટ જો સાફ હોય તો પાણીનો નિકાલ ઝડપભેર થઈ શકે છે. કોર્પોરેશન દર વખતે કેચપીટ અને મેન હોલની સફાઈના મોટા દાવા કરતું રહે છે, પરંતુ જ્યારે વરસાદ ખાબકે છે, ત્યારે પાણીનો ઝડપભેર નિકાલ થતો નથી, કારણ કે લાઈનો ચોક અપ હોય છે. વરસાદી ગટર સાથે ડ્રેનેજના જોડાણ પણ થયેલા હોવાથી આખું વર્ષ ડ્રેનેજના પાણી ચાલુ રહેવાથી નીચે માટી અને કાદવ સોલિડ જામેલા હોવાથી તેની સફાઈ સંપૂર્ણ થતી નહીં હોવાથી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકતો નથી આ ફરિયાદ પણ દર વખતે ઊઠે છે. બીજું, સફાઈ કર્યા બાદ બહાર માટી અને કિચડનો ઢગલો કરી રાખવામાં આવે છે, અને તે દિવસો સુધી ત્યાં રાખી મૂકવામાં આવે છે અને નહીં ઉઠાવતા સુકાઈને ફરી પાછું અંદર ગટરમાં પડે છે એટલે સફાઈ કરી હોવાનો કોઈ અર્થ રહેતો નથી. બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીના કહેવા મુજબ તમામ ઝોનમાં ચોમાસા પૂર્વેની કેચપીટ અને મેન હોલની સફાઈ કરવાનું કહી દીધું છે અને ખાસ તો અંદરથી માટી અને કાદવ બહાર કાઢીને સુકાઈ જાય એટલે તરત ભરી લેવા સૂચના અપાઈ જ છે, વધુમાં તેમણે કહ્યું હતું કે ભીનો પાણીવાળો માટી સાથેનો કચરો અને કાદવ જો તરત જ ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવે તો રોડ પરથી ટ્રેક્ટર પસાર થાય તો ગંદુ પાણી અને કિચડ રોડ પર ફેલાતા રોડ પર ગંદકીનો પ્રશ્ન ઉભો થાય છે. માટે કચરો સુકાઈ ગયા બાદ જ ભરવા કહ્યું છે. જ્યાં દિવસો સુધી કચરો સુકાયા પછી પણ ભર્યો નથી, ત્યાંથી તરત ઉઠાવી લેવા તાકીદ કરી દેવામાં આવી છે, એમ તેમણે ઉમેર્યું હતું.


Google NewsGoogle News