વડોદરા કોર્પોરેશનમાં આરોગ્ય લક્ષી કામગીરી માટે 11 માસ કરાર આધારિત હેલ્થ વર્કરોની ભરતી કરાઈ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત હંગામી ધોરણે 554 વર્કરની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મગાવી હતી. જેમાંથી પસંદગી થયેલા ઉમેદવારો ફરજ પર હાજર થઈ ચૂક્યા છે અને હવે 54 ઉમેદવારોની પસંદગી માટે ચોથી અને છેલ્લી વખત પસંદગી યાદી કોર્પોરેશનની વેબસાઈટ પર આજે બપોરથી મૂકવામાં આવી છે. ઉમેદવારોએ તારીખ 9 થી 16 સુધીમાં તેઓને ફાળવવામાં આવેલ જે તે કોર્પોરેશનની ઝોન કચેરી ખાતે બાયોલોજીસ્ટ સમક્ષ હાજર થવાનું રહેશે. તારીખ 16 સુધીમાં હાજર ન થનારને યાદીમાંથી રદ કરી વેઇટિંગ લિસ્ટમાં અન્ય જે બાકી હશે તેને તરત નિમણૂંક આપી દેવામાં આવશે.
અગાઉ કોર્પોરેશનમાં 554 હેલ્થ વર્કરો માટે કુલ 9,922 અરજીઓ મળી હતી. જેમાં પબ્લિક હેલ્થ વર્કર માટે 4,474 અને પુરૂષ ફિલ્ડ વર્કર માટે 5448 અરજીઓ આવી હતી. જે પૈકી 427 અરજી રિજેક્ટ કરવામાં આવ્યા બાદ પ્રાથમિક ચકાસણી અને મૂલ્યાંકન પછી જે ઉમેદવારોની અરજીઓ રાખવા યોગ્ય હતી તેના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવ્યા બાદ મેરીટ લીસ્ટ અને પસંદગી યાદી બહાર પાડવામાં આવી હતી. અત્યાર સુધીમાં આવી ત્રણ યાદી બહાર પાડી છે. હાજર થનાર ઉમેદવારને તરત નિમણૂક આપી દેવામાં આવશે. અત્યાર સુધીમાં આશરે 500 હેલ્થ વર્કર હાજર થઈ ચૂક્યા છે અને પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. આ હેલ્થવર્કરો વાહકજન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી માટે ઘરે-ઘરે જઈને દવાનો છંટકાવ, ફોગિંગ કરવું, સર્વે કરવો, સેમ્પલો લેવા, ફીવરનો સર્વે કરવો વગેરેની કામગીરી કરી રહ્યા છે.