વડોદરા કોર્પોરેશનનો અંધેર વહીવટઃ9 વર્ષથી કાયમી ચીફ ફાયર ઓફિસર જ નથીઃડ્રાઇવરો પણ કોન્ટ્રાક્ટ પર
વડોદરાઃ વડોદરામાં પૂર તેમજ અનેક આપત્તિઓ આવતી હોવા છતાં કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડને છેલ્લા ૯ વર્ષથી કાયમી ચીફ ફાયર ઓફિસર મળ્યા નથી.
વડોદરા ફાયર બ્રિગેડમાં ૪૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે અને ફાયર બ્રિગેડના કર્મચારીઓને આગ-અકસ્માત,પૂર,વાવાઝોડા સહિતની કામગીરીઓની સાથે સાથે વીવીઆઇપી બંદોબસ્ત,પાણી વિતરણ જેવી કામગીરી પણ કરવી પડતી હોય છે.તેવા સમયે પૂર કે મોટી દુર્ઘટના વખતે મર્યાદિત કર્મચારીઓ પર મોટું ભારણ આવી જતું હોય છે.
ફાયર બ્રિગેડની કામગીરી ખૂબ જ મહત્વની દરેક નગરજન સાથે સંકળાયેલી હોવા છતાં કોર્પોરેશને ભારે બેદરકારી સેવી છે અને છેલ્લા ૯ વર્ષથી ચીફ ફાયર ઓફિસરની કાયમી પોસ્ટ ભરી નથી.
વર્ષ-૨૦૧૫માં છેલ્લા કાયમી ચીફ ફાયર હિતેષ ટાપરીયા હતા.ત્યારબાદ તેમનો ચાર્જ દિપક ગુંજાલને આપવામાં આવ્યો હતો.તેઓ વર્ષ-૨૦૧૯માં નિવૃત્ત થયા હતા.ત્યારબાદ સ્ટેશન ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટને ચીફ ફાયરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તે વખતે પણ તેમના નામ સામે વિવાદ થયો હતો.તેમના આવ્યા પછી ત્રણ સ્ટેશન ઓફિસર વડોદરા ફાયર બ્રિગેડની નોકરી છોડી બીજા શહેરમાં જોડાયા હતા.
હવે પાર્થ બ્રહ્મભટ્ટ સામે પોલીસ ફરિયાદ થતાં તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.જેથી તેમનો ચાર્જ મકરપુરાના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદને સોંપવામાં આવ્યો છે.
ફાયર બ્રિગેડ પાસે કાયમી ડ્રાઇવર માત્ર ૪ છે,૫૦ ડ્રાઇવર કોન્ટ્રાક્ટ પર છે
વડોદરા ફાયર બ્રિગેડ પાસે પુરતા ડ્રાઇવર પણ નથી.જે ડ્રાઇવર ફરજ બજાવે છે તે મોટાભાગના કોન્ટ્રાક્ટ પર છે.
વડોદરા ફાયર બ્રિગેડમાં ડ્રાઇવરોની જરૃર છે તેના કરતાં પણ ઓછા ડ્રાઇવર તેમની પાસે છે.જેને કારણે ડ્રાઇવરોને પણ વધારાની ડયુટી કરવી પડતી હોય છે.
વળી કાયમી ડ્રાઇવર તો ચાર જ છે. જ્યારે,૫૦ જેટલા ડ્રાઇવર કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે.આ પૈકી કેટલાક તો ૧૨ વર્ષથી નોકરી કરી રહ્યા છે.તો મોટાભાગના છ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવી રહ્યા છે.તેઓ કાયમી કરવાની વારંવાર રજૂઆતો કરી રહ્યા છે.પરંતુ તેમનું કોઇ સાંભળતું નથી.
વડોદરા ફાયર બ્રિગેડ પર પાણીના ટેન્કરની કામગીરી પણ થોપી દેવાઇ છે
વડોદરા ફાયર બ્રિગેડ પર પાણી વિતરણની કામગીરી પણ થોપી દેવામાં આવી છે.
શહેરમાં ટેન્કરો દ્વારા જ્યાં પીવાનું પાણી પુરું પાડવાનું હોય ત્યાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કામગીરી કરવામાં આવે છે.તેઓ જુદી જુદી ટાંકી પરથી ટેન્કરો ભરવા માટે જાય છે અને ત્યાંથી જે તે જગ્યાએ પાણી ઠાલવવા માટે જતા હોય છે.
કોર્પોરેશન પાસે પોતાનો પાણી પુરવઠા વિભાગ હોવા છતાં આગ અકસ્માત કે હોનારતમાં કામગીરી કરવાને બદલે ફાયર બ્રિગેડના ૨૦ થી વધુ જવાનોને પાણી વિતરણની કામગીરી કરવી પડે છે.