વડોદરા કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સ વસૂલ કરવા ધંધાદારી મિલકતોને 22539 વોરંટ બજાવ્યા

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સ વસૂલ કરવા ધંધાદારી મિલકતોને 22539 વોરંટ બજાવ્યા 1 - image


- વોરંટ બજાવ્યા પછી પણ ટેક્સ નહીં ભરતા અત્યાર સુધીમાં 18222 મિલકતો સીલ કરી 

- રહેણાંક મિલકતોના બાકી ટેક્સ માટે 24016 નોટિસો અપાઈ 

વડોદરા,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2023-24 ના બાકી મિલકત વેરાની વસુલાત માટે મિલકતો સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ આસી.મ્યુનિસિપલ કમિશનર, વોર્ડ ઓફિસર અને વોર્ડનો રેવન્યુ સ્ટાફ સામેલ થયો છે. બાકી મિલકત વેરા માટે આજ સુધીમાં બિન-રહેણાંક એટલે કે ધંધાદારી કૂલ 18222 મિલકતો સીલ કરવામાં આવેલ છે અને રહેણાંક મિલ્કતોને 24016 નોટીસ આપવામાં આવેલ છે. આ ઉપરાંત ધંધાદારી મિલકતોને 22539 વોરંટ બજાવવામાં આવેલ છે. વોરંટની સાત દિવસની મુદત હોય છે, અને તે મુદત દરમિયાન જો વેરો ભરપાઈ કરવામાં ન આવે તો મિલકતો સીલ કરવામાં આવે છે. કોર્પોરેશનમાં તા.27 સુધી મિલકત વેરાની કૂલ આવક 493.28 કરોડ જેટલી થયેલ છે. વ્યવસાય વેરાની 54.63 કરોડ, વ્હીકલ ટેક્ષની 43.07 કરોડ અને વોટર મીટર ચાર્જના બીલોની 2.74 કરોડની આવક થયેલ છે. આ તમામ વેરાની આવક કુલ 593.73 કરોડ થાય છે. કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષના વેરા બિલની મુદ્દત પૂરી થયા બાદ બાકી વસુલાત માટે વ્યાજ માફી સ્કીમ તા.3 જાન્યુઆરી થી દાખલ કરવામાં આવી છે અને તા.27 ફેબ્રુઆરી સુધીમાં મિલકત વેરાની 69.98 કરોડ, વ્યવસાય વેરાની 11.17 કરોડ, વ્હીકલ ટેક્ષ 6.94 કરોડ તથા વોટર મીટર ચાર્જ 1.82 મળી કૂલ 89.91ની આવક થયેલ છે. કોર્પોરેશનમાં મંજુર કરેલા બજેટ લક્ષ્યાંક 642.26 કરોડ અને રીવાઈઝડ બજેટ લક્ષ્યાંક 679.78 કરોડની સામે રૂ. 593.73 કરોડ આવક થયેલ છે. ચાલુ નાણાકીય વર્ષની મુદત પૂરી થવામાં હવે એક મહિનાનો સમય બાકી હોવાથી કોર્પોરેશન દ્વારા વેરા વસુલાતની ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે.


Google NewsGoogle News