પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બાંધેલી દુકાનોની હરાજીમાં 29 દુકાન વેચાણ થતા વડોદરા કોર્પોરેશનને રૂ.7.28ની આવક
Vadodara Corporation News : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેટલીક વસાહતોમાં દુકાનો પણ બાંધવામાં આવી છે. જેની જાહેર હરાજી તાજેતરમાં કરવામાં આવી હતી જેમાં 29 દુકાનોનું વેચાણ થતા રૂ.7.28 કરોડની આવક કોર્પોરેશનને થઈ છે. જેમાં સૌથી વધુ ભાવ ગોત્રી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવેલી એક દુકાનના રૂ.38.10 લાખ જ્યારે સૌથી ઓછી સયાજીપુરાની દુકાનના રૂ.10.18 લાખ આવક થઈ છે.
શહેરના સયાજીપુરા, ગોત્રી, તાંદળજા, સન ફાર્મા રોડ,હરણી સહિતના વિવિધ વિસ્તારોમાં મધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બાંધવામાં આવ્યા છે. જેમાં કેટલીક જગ્યાએ સ્થાનિક રહીશોને નજીકમાંથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તેને ધ્યાનમાં રાખી દુકાનો પણ ગ્રાઉન્ડ ફ્લોર પર બાંધવામાં આવી હતી. જેની હવે જાહેર હરાજી કરવામાં આવી રહી છે. હાલમાં કોર્પોરેશન પાસે 186 દુકાનો હતી તેની જાહેર હરાજી ડેપ્યુટી કમિશનર અર્પિત સાગરની અધ્યક્ષતામાં બનાવેલી કમિટી દ્વારા કરવામાં આવી જેમાં 38 અરજદારોએ હરાજીમાં ભાગ લીધો હતો અને તેઓએ 29 દુકાનો વેચાણથી રાખી હતી. જેમાંથી વડોદરા કોર્પોરેશનને રૂ.7.28 કરોડની આવક થઈ છે.
કોર્પોરેશન દ્વારા હરાજીમાં મૂકવામાં આવેલી દુકાનોમાં સૌથી વધુ હરણી પ્રધાનમંત્રી આવાસ યોજનાની 12 દુકાનોનું વેચાણ થયું છે જ્યારે ગોત્રીમાં માત્ર એક જ દુકાનનું સૌથી વધુ રૂ.38.10 લાખમાં વેચાણ થયું છે. આ ઉપરાંત સયાજીપુરામાં નવ તાંદળજામાં પાંચ, સન ફાર્મા રોડ પરની આવાસ યોજનામાં બે દુકાનો મળી 29 દુકાનોનો સમાવેશ થાય છે જેમાં સયાજીપુરાની એક દુકાનના સૌથી ઓછા ભાવ રૂપિયા 10.18 લાખ કોર્પોરેશનને પ્રાપ્ત થયા છે.