વડોદરા કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ બીજા દિવસે પણ જારી
Vadodara Corporation Demolition : વડોદરા શહેરના મંગળ બજાર અને લહેરીપુરા-માંડવી દરવાજા વચ્ચેના વિસ્તારના ગેરકાયદે દબાણોનો સફાયો કરીને પાલિકા તંત્રએ બે ટ્રક જેટલો પરચુરણ માલ સામાન કબજે કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ સંવેદનશીલ વિસ્તાર સલાટવાડા અને મચ્છીપીઠ ખાતેથી દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ઈંડા પુલાવ અને નોનવેજની લારીઓ તથા શેડના દબાણો દૂર કર્યા હતા. પરંતુ ગણતરીના કલાકોમાં આ દબાણો ફરી એકવાર યથાવત થઈ ગયા હતા.
જોકે મંગળ બજાર અને લેરીપુરા માંડવી દરવાજા વચ્ચેના લારી ગલ્લા અને દુકાનદારો દ્વારા કરાતા ડિસ્પ્લેને કારણે વાહનચાલકો અને ચાલતા જતા લોકોને ભારે ત્રાસ થાય છે. આ તમામ ગેરકાયદે દબાણો પર પાલિકાની દબાણ શાખાની ટીમે આજે સવારથી સપાટો બોલાવ્યો હતો. વિસ્તારના ગેરકાયદે લારી ગલ્લા પથારાના દબાણો સહિત લહેરીપુરા-માંડવી વિસ્તારમાં દુકાનદારોએ ડિસ્પ્લેથી કરેલા દબાણોનો સફાયો પાલિકાની દબાણ શાખાની ટીમે કર્યો હતો. આ કામગીરી દરમિયાન બે ટ્રક જેટલો પરચુરણ માલ સામાન કબજે કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવાયો હતો. જોકે પાલિકા તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી છતાં ગણતરીના કલાકોમાં જ તમામ પથારા લારી ગલ્લાના દબાણો ફરી એકવાર થઈ ગયા હતા.