વડોદરા કોર્પોરેશન બજેટ : વિવિધ કચેરીઓ પર સોલાર લગાવવાથી વીજળી ખર્ચમાં બચત ઉભી કરાશે
વડોદરા,તા.01 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
વડોદરા કોર્પોરેશનનું બજેટ મંજૂર કરવા દૈનિક સ્થાયી સમિતિની મેરેથોન બેઠક સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીની અધ્યક્ષ સ્થાને મળી રહી છે. ચાલુ વર્ષે વધારાના કોઈ કર-બોજ નાખવામાં ન આવ્યા હોવાથી વિવિધ પ્રકારના થતા ખર્ચમાં બચત કેવી રીતે થાય? તેના પર ધ્યાન આપવાનો પ્રયાસ કરવામાં આવે તે પ્રમાણેનું બજેટ મંજૂર કરવાની પ્રક્રિયા સમિતિ વિચારી રહી છે.
પાલિકાનું બજેટ મંજૂર કરવા માટે મોટેભાગે આવતીકાલે સ્થાયી સમિતિ અંતિમ નિર્ણય લઈ લે તેવું અનુમાન છે. તેમ છતાં જો વિવિધ વિષયો અને મુસદ્દાને લઈ વધુ લંબાણપૂર્વક ચર્ચા ચાલે અને વધુ સમય બજેટને અનુલક્ષીને જોઈએ તો શનિવારના દિવસે પણ બજેટની અંગેની સ્થાયી સમિતિની બેઠક મળશે. તમામ પ્રક્રિયા વચ્ચે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હાલના બજેટમાં શહેરીજનો પર કોઈ કર-દર વધારવામાં આવ્યા નથી. ઉપરાંત પાલિકાના ખર્ચની યોગ્યતા જળવાઈ શકે તે માટે કેટલાક ખર્ચ પર બચતના પ્રયાસો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યા છે. જેમ કે પાલિકાની વિવિધ કચેરીઓ પર સોલર લગાવવાથી ઇલેક્ટ્રીક બીલના ખર્ચમાં ઘટાડો થશે એવી ધારણા છે. ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓને એમ્બેસમેન્ટમાં ઓપીડીની જગ્યાએ પીએસયુમાંથી મળે એવા તેવી વિચારણા છે.
વધુમાં ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, 450 આંગણવાડીમાંથી 150 આંગણવાડીને મોડેલ આંગણવાડી બનાવવાની સુવિધા ઉભી કરવામાં આવશે. દરેક આંગણવાડીમાં ઇન્ડક્શન કુકરની સુવિધા આપવામાં આવશે. તમામ સ્મશાનો ખાતે એનાલિસિસ સર્વે કરી ખૂટતી વ્યવસ્થા રિમેન્ટેન થાય તે પ્રમાણેનું આયોજન કરાશે. આ માટે સ્મશાનમાં ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો ઈજારો અપાશે. પાલિકા હસ્તકના અતિથિ ગૃહોનું રિનોવેશન કરવામાં આવશે. અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાત મુજબ નવા ટોયલેટ બ્લોક બનાવવા છે. બજેટને અનુલક્ષીને કેટલાક નવીન કામો અને સભ્યો દ્વારા નાગરિકોની સુખ સુવિધા વધારવામાં મદદરૂપ થાય તેવા ઉપયોગી સૂચનો રજૂ કરવામાં આવ્યા છે જેને મંજૂરી અપાશે.