વડોદરા કોર્પોરેશન દ્વારા ડામર રોડને નુકસાન ન થાય તે રીતે હોળી પ્રગટાવવા લોકોને અપીલ
રોડ પર ખાડા કરી હોળી પ્રગટાવતા ડામર પીગળી જાય છે અને રોડને નુકસાન થાય છે
રોડ પર માટી અને છાણનું લીપણ કરી અથવા તો ઈટો પર રેતી પાથરીને હોળી પ્રગટાવવા અનુરોધ
વડોદરા, તા. 23 માર્ચ 2024 શનિવાર
તારીખ 24 ના રોજ હોળીનું પર્વ ઉજવાશે. આ દિવસે સાંજે શહેરમાં ઠેકઠેકાણે હોલિકા દહન કરવામાં આવશે .વડોદરા કોર્પોરેશન દ્વારા ડામર રોડ ને નુકસાન ન થાય તે રીતે હોળી પ્રગટાવવા લોકોને અપીલ કરી છે .સામાન્ય રીતે લોકો જાહેર રોડ ના જંકશન પર ,સોસાયટીઓના આંતરિક માર્ગ પર હોળી પ્રગટાવે છે. લોકો જાહેર ડામર રોડ પર લાકડા, ઘાસ ,છાણા વગેરે એકઠા કરીને અને ખાડો ખોદીને હોળી પ્રગટાવે છે. જેના લીધે ડામર પીગળી જવાથી અને ખાડા કરવાને લીધે રોડ તૂટે છે. જેમાં છેવટે કોર્પોરેશનને રીપેરીંગ પાછળ બિનજરૂરી ખર્ચ થાય છે, એટલું જ નહીં ખાડો ખોદે છે, ત્યારે નીચે પસાર થતી ગેસ લાઇન પર પણ જોખમ ઊભું થાય છે. ખાડો ખોદવાને લીધે દિવસો સુધી ખાડો જેમનો તેમ રહે છે ,અને ખાડાને લીધે અકસ્માતનો ભય રહે છે .કોર્પોરેશનએ લોકોને અપીલ કરી છે કે જ્યાં હોળી પ્રગટાવવી હોય ત્યાં ડામર રોડ પર છાણ, માટીનું જાડું લીપણ કરીને અથવા તો રોડ પર ઈંટ અથવા રેતી અને માટીના થર પાથર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે તો જાહેર માર્ગોને થતું નુકસાન મોટાભાગે નિવારી શકાય તેમ છે.