વડોદરા : શેરખી ઇન્ટેકવેલની પંપિંગ મશીનરી અને મેંટેનન્સનો 5 વર્ષનો 14.85%વધુ ભાવનો કોન્ટ્રાક્ટ સિદ્ધિ એન્જીન્યરને આપવાની દરખાસ્તથી વિવાદ
વડોદરા,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર
વડોદરા શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં શેરખી ખાતે આવેલ પાણીની ટાંકીઓ ખાતેથી શહેરીજનોને અવિરત પાણી પુરવઠો મળી રહે અને લોકોની અગત્યની અને આવશ્યક સેવાલક્ષી કામગીરીમાં વિક્ષેપ ન પડે તેને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા શાખા હસ્તક શેરખી ઇન્ટેક વેલ ખાતેની તમામ પંપીંગ મશીનરી તથા ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ લિક્વિપમેન્ટનું ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી સહિત પાંચ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાના કામે સૌથી ઓછા ભાવના નિયત અંદાજ રૂ.1.68 કરોડ કરતા રૂ.1.92 કરોડ 14.85 ટકા વધુના ભાવ પત્રને ખાતાની શરતો મુજબ ગ્રાહ્ય રાખીને મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાની નુર્મ શાખા દ્વારા શેરખી ખાતે નર્મદા સરદાર સરોવર કેનાલમાંથી પાણીના સ્ત્રોતનો ઉપયોગ કરવા બનાવવામાં આવેલ છે અને વર્ષ 2013માં આ ઇન્ટેકવેલ કાર્યરત થયેલ છે. જે તે સમયે કુલ ત્રણ વર્ટિકલ ટર્બાઇન પંપ સેટ હતા જ્યાં હવે ચાર સેટ કાર્યરત છે. જેમાં હાલની પ્રણાલી મુજબ રો-વોટર પંપિંગ દ્વારા ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે મોકલવામાં આવે છે. જ્યાં રો-વોટર શુદ્ધિકરણ કરીને પંપીંગ દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગાયત્રી નગર ટાંકી વાસણા ટાંકી હરીનગર ટાંકી તથા તાંદલજા ટાંકી ખાતેથી પુરવઠો મેળવવામાં આવે છે. આ ટાંકીથી કમાન વિસ્તારમાં સવાર સાંજ અલગ અલગ ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવે છે.
આ અંગે બે ઈજારદારોના ભાવ પત્રક આવ્યા હતા. જેમાં નિયત ભાવથી 14.85 ટકા વધુ ભાવ ભરનાર સિધ્ધિ એન્જીન્યરીંગ કોન્ટ્રાક્ટરના ભાવ પત્રને સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરાયું છે. પંપીંગ મશીનરી તથા ઈલેક્ટ્રિકલ મિકેનિકલ લિક્વિપમેન્ટનું ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી માટે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાનો છે.