વડોદરાના ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટ પી.વી. મૂરજાણીનો પોતાની જ રિવોલ્વરથી આપઘાત
માનીતી દીકરી અને તેની માતાના સતત બ્લેકમેલિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ
છેલ્લા ઘણા સમયથી તેઓ હિન્દુ સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારમાં અગ્રિમ ભૂમિકા ભજવતા હતા
વડોદરા,વડોદરામાં જાગૃત નાગરિક નામની સંસ્થા ચલાવતા અગ્રણી પી.વી. મૂરજાણીએ વાઘોડિયા રોડ પર આવેલા તેમના ઘરે પોતાની જ રિવોલ્વરથી ફાયરિંગ કરીને આપઘાત કરી લીધો હતો. જેના પગલે ચકચાર મચી ગઇ છે. તેમની માનીતી દીકરી અને તેની માતાનું બ્લેકમેલિંગ એટલી હદે વધી ગયું હતું કે, તેઓના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ સ્યૂસાઇડ નોટમાં તેમણે કર્યો હતો. તેમણે સ્યૂસાઇડ નોટ વોટ્સએપ પર મિત્રો તેમજ ઓળખીતાઓને સેન્ડ કરી હતી. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. મોતના પગલે લોકોના ટોળા તેમના ઘરે ઉમટી પડયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ ડી માર્ટ પાસે નારાયણ બંગલોમાં રહેતા પુરૃષોત્તમ મૂરજાણી વડોદરામાં ગ્રાહક સુરક્ષાની સંસ્થા વર્ષોથી ચલાવતા હતા. કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે જાગૃત નાગરિક નામની સંસ્થા ચલાવતા પી.વી. મૂરજાણી આજે સાંજે ઘરે હતા. તેમના પત્ની મંદિરે ગયા હતા. તેમના પત્ની મંદિરેથી પરત ઘરે આવ્યા હતા. લાંબો સમય થવા છતાંય તેઓ ઉપરના માળેથી નીચે નહીં આવતા તેમના પત્ની ઉપરના માળે જોવા ગયા હતા. ઉપર જઇને જોયું તો તેમના પતિ પી.વી. મૂરજાણી લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડેલા હતા. તેઓએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા.
બનાવની જાણ પાણીગેટ પોલીસને કરવામાં આવતા પી.આઇ. એચ.એમ. વ્યાસ ઘટના સ્થળે દોડી ગયા હતા. પી.વી.મૂરજાણીએ પોતાની જ રિવોલ્વરમાંથી જાતે ફાયરિંગ કરી જીવ ટૂંકાવી દીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. જોકે, પી.વી. મૂરજાણીના મોતનું સાચું કારણ જાણવા માટે એફ.એસ.એલ.ની મદદ લીધી હતી. ે પોલીસને ઘટના સ્થળેથી કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નહતી.
પરંતુ, રાતે ૯ ઃ ૫૨ કલાકે તેમના મોબાઇલના વોટ્સએપ પરથી તેમના મિત્ર વર્તૃળમાં અંતિમ ચિઠ્ઠીનો મેસેજ ગયો હતો. જે મેસેજમાં તેમણે માનીતી દીકરી અને દીકરીની માતાના બ્લેકમેઇલિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મેસેજમાં એવું પણ લખ્યું હતું કે, લાભપાંચમના દિવેસ મર્સિડિઝ ખરીદી હતી. તે સમયે માનીતી દીકરી કોમલને લઇ જઇ ફોટા પડાવ્યા હતા. તે પછી કારમાં તેમણે પોતાની પત્નીને બેસાડયા હતા. તે વાત પર માનીતી દીકરી કોમલ બહુ માટી ે બબાલ કરી હતી અને ગાળાગાળી કરી ધમકી આપી હતી કે, તમે તમારા પત્નીને કેમ કારમાં બેસાડી ? હું કારની સીટો ફાડી નાંખીશ ક્યાં તો મર્સિડિઝ તોડી નાંખીશ. આવા તો ઘણા કિસ્સા મૂરઝાણીએ પોતાની સ્યૂસાઇડ નોટમાં લખ્યા છે.