વડોદરા કોંગ્રેસે સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાના નિર્ણયને સમર્થન આપ્યું
વડોદરાઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તાજેતરમાં જ ગીતા જયંતિના દિવસે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત કરી હતી.
રાજકારણમાં સામાન્ય રીતે શાસક પક્ષના નિર્ણય સાથે વિરોધ પક્ષો ભાગ્યે જ સંમત થયા હોય છે પણ સ્કૂલોમાં ભગવદ ગીતાના પાઠ શીખવાડવાની જાહેરાતને વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસે સમર્થન આપ્યુ છે પણ કેટલીક શરતો સાથે.
આજે વડોદરા કોંગ્રેસના પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, શહેર કોંગ્રેસ મહામંત્રી દ્વારા જિલ્લા કલેકટર થકી શિક્ષણ મંત્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવી હતી.જેમાં વડોદરા કોંગ્રેસે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના નિર્ણયને અમલમાં લાવવા માટે સહાય કરવાની તૈયારી પણ બતાવી હતી.
કોંગ્રેસનુ કહેવુ છે કે, આ નિર્ણય સાથે અમે સંમત છે પણ જે શિક્ષકો સ્કૂલોમાં ભગવદ ગીતા ભણાવવાના છે તેમને પહેલા ભગવદ ગીતાનુ પ્રશિક્ષણ આપવુ પડશે.આ પ્રશિક્ષણ હિન્દુ સંપ્રદાયના જાણીતા ધર્મગુરુઓ દ્વારા અને હિન્દુ ધર્મના શાસ્ત્રોનો ઉપયોગ કરીને જ આપવામાં આવે.આ માટે આરએસએસની વિચારધારા કોઈ વ્યક્તિને સામેલ કરવામાં ના આવે.
કોંગ્રેસના નેતાઓએ તો ત્યાં સૂધી સૂચન કર્યુ હતુ કે, દરેક સ્કૂલમાંથી બે થી ત્રણ શિક્ષકને આ રીતે ભગવદ્ ગીતાનુ પ્રશિક્ષણ અપાવુ જોઈએ અને તેમાં પણ જરુર પડે તો કોંગ્રેસ મદદ કરવા માટે તૈયાર છે.
કોંગ્રેસના મહામંત્રીએ કહ્યુ હતુ કે, ભગવદ ગીતા ભણાવવા માટે જે પુસ્તક સ્કૂલોમાં દાખલ કરવાની જાહેરાત કરાઈ છે તેમાં કેટલીક ભૂલો છે અને તેને દૂર કરવા માટે પણ આગામી દિવસોમાં અમે રજૂઆત કરવાના છે.