સંસદમાંથી વિરોધ પક્ષના સંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં વડોદરા કોંગ્રેસ દ્વારા ધરણા
- વડોદરા શહેર પોલીસ દ્વારા કોંગ્રેસના ધરણાને મંજૂરી નહીં આપવા છતાં કાર્યક્રમ યોજાયો
વડોદરા,તા.22 ડિસેમ્બર 2023,શુક્રવાર
સંસદમાં હોબાળો મચાવનાર કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના 145 સાંસદોને સસ્પેન્ડ કરાતા દેશભરમાં શરૂ થયેલા આંદોલનના ભાગરૂપે વડોદરામાં મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ દ્વારા આ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સંસદમાં હોબાળો મચાવનાર અને ઉપરાષ્ટ્રપતિનું અપમાન કરનાર મળીને કુલ 145 જેટલા કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જેથી રોષે ભરાયેલા આ તમામ સાંસદો સંસદ બહાર ધરના કાર્યક્રમ કરી રહ્યા છે. પરિણામે દેશભરમાં વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ રબારી તથા અન્ય અગ્રણીઓ અને કોર્પોરેટરો સહિત મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જોકે શહેર પોલીસ દ્વારા આ અંગે કોઈ જાતની પરમિશન આપી નથી.
ગાંધીનગર ગૃહ ખાતે પૂ. ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરીને ધારણા કાર્યક્રમ શરૂ કરાયો હતો જેમાં મોટાભાગના તમામ કાર્યકરો અને હોદ્દેદારો સહિત કોર્પોરેટરોના હાથમાં વિવિધ પ્રકારો હતા જેમાં લોકતંત્ર બચાવો અને લોકશાહી બચાવો જેવા સૂત્રો લખાયા હતા. આ ધરણા કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસની મંજૂરી સિવાય થયેલો આ કાર્યક્રમ કેટલો સમય ચાલુ રહે છે એ એક પ્રશ્નાર્થ છે. આ ઉપરાંત પણ આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ રહેશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.