ટાઇલ્સના ગોડાઉનમાંથી સાડા ચાર લાખની ટાઇલ્સ ચોરી જતા કર્મચારી સામે ફરિયાદ

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
ટાઇલ્સના ગોડાઉનમાંથી સાડા ચાર લાખની ટાઇલ્સ ચોરી જતા કર્મચારી સામે ફરિયાદ 1 - image


- ડભોઇ રોડ પર ગોડાઉનમાંથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન 4.45 લાખનો ટાઇલ્સનો જથ્થો કર્મચારીએ જ ગુમ કરી દીધો હતો જે અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

વડોદરા,તા.1 ડિસેમ્બર 2023,શુક્રવાર

વાઘોડિયા રોડ વ્રજ મંગલ એપાર્ટમેન્ટમાં રહેતો સાગર વાસુદેવભાઈ મણીપરા ડભોઇ રોડ ટિમ્બર માર્કેટમાં રામેષ્ટ માર્કેટિંગ નામથી ટાઇલ્સનો ધંધો કરે છે વાડી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત બીજી નવેમ્બરે સાંજના 6:00 વાગે હું તથા મારા ફોઈનો છોકરો કિશન તથા ગોડાઉન પર નોકરી કરતો મિતેશ ગોડાઉનમાં ટાઇલ્સનો સ્ટોક જોવા માટે ગયા હતા. ટોપ જોઈને ગોડાઉન બંધ કરીને અમે અમારા ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે રાબેતા મુજબ સવારે 9:30 વાગે ગોડાઉન ખોલ્યું હતું ત્યારે ગોડાઉનમાંથી ટાઈલ્સનો જથ્થો ગુમ હોવાનું જણાય આવ્યું હતું. જેથી ગોડાઉનમાં નોકરી કરતા મિતેશભાઇએ ફોન કરીને મને જાણ કરતા હું ગોડાઉન પર ગયો હતો. મારા ગોડાઉનની આજુબાજુના ગોડાઉન પર ફીટ કરેલા સીસીટીવી કેમેરા જોતા અમારા ગોડાઉનમાં નોકરી કરતો અનુજ મોહનભાઈ ચાવડા રહેવાસી નવી લાકડી કુઈ જાસપુર તાલુકો પાદરા સવારે સાડા સાત વાગે એક પીકઅપ ગાડીમાં ટાઇલ્સ ભરીને તેની પાછળ મોટર સાયકલ લઈને જતો દેખાતો હતો. મેં અનુજને બોલાવીને ફૂટેજ બતાવતા તેણે ચોરીની કબુલાત કરી હતી અને ટાઇલ્સનો જથ્થો પોતાના વતનમાં મૂકી આવ્યો હોવાનું જણાવ્યું હતું. અગાઉ પણ અનુજે ગોડાઉનમાંથી ચોરી કરી હતી. છેલ્લા ત્રણ મહિનામાં કુલ 4.45 લાખની કિંમતની ટાઈલ્સનો જથ્થો તે ચોરી ગયો હતો.


Google NewsGoogle News