પોતાની હદ નહિ હોવા છતાં વડોદરા શહેર પોલીસે ગેંગરેપ કેસમાં 1150 CCTV અને હજારો કોલ્સ ડીટેલ તપાસી
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી,બે પીઆઇ સહિત ૬૫ પોલીસ જવાનો બે દિવસ પોતાના ઘરથી પણ દૂર રહ્યા
વડોદરાઃ કોઇ પણ ગંભીર ગુનો કે હાઇપ્રોફાઇલ કેસ હોય તો પોલીસ વિભાગમાં હદનો વિવાદ મહત્વનો બની રહેતો હોય છે.પરંતુ વડોદરાની સગીરા પર ગેંગરેપના બનાવની ગંભીરતા જોઇ વડોદરા શહેર પોલીસે હદના વિવાદમાં પડયા વગર રાત દિવસ મહેનત કરીને પોલીસ બેડામાં ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું હતું.
ભાયલીમાં સગીરા પર ગેંગરેપનો બનાવ વડોદરા જિલ્લા પોલીસની હદમાં બન્યો હતો અને તાલુકા પોલીસ સ્ટેશનમાં તેનો ગુનો નોંધાયો હતો.પરંતુ બનાવની ગંભીરતા જોતાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે તરત જ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તપાસમાં જોડાવા સૂચના આપી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી એચ એ રાઠોડ,પીઆઇ આર એ જાડેજા અને લેડી પીઆઇ હેતલ તુવેર સહિત કુલ ૬૫ પોલીસ જવાનોની જુદીજુદી ટીમો બનાવવામાં આવી હતી.દરેક ટીમને અલગ અલગ કામ સોંપાયું હતું.
પોલીસે જ્યાં સુધી આરોપી હાથ ના લાગે ત્યાં સુધી ઘરથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું.બનાવ બન્યો તેની આસપાસના વિસ્તારો તેમજ શકમંદ આરોપી જ્યાંથી આવ્યા અને ક્યાં ગયા ત્યાં સુધીના રૃટ પરના સરકારી, કોર્પોરેશન તેમજ ખાનગી કેમેરા મળી ૧૧૫૦ કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા હતા.જ્યારે બનાવ બન્યો તે વિસ્તારના મોબાઇલ ટાવર સહિતના વિવિધ લોકેશનના એક લાખથી વધુ કોલ્સ ડીટેલ તપાસવામાં આવી હતી.