વડોદરા શહેર અને જિલ્લાના પેન્શનરોએ તા.31 જુલાઈ સુધીમાં વાર્ષિક હયાતીની ખરાઈ કરી લેવા સૂચના
Pension Rule : વડોદરા પેન્શન કચેરી તથા તેના તાબા હેઠળની પેટ તિજોરીઓમાંથી બેંક મારફતે રાજ્ય તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તિજોરી કચેરી સાથે સંલગ્ન બેંક શાખામાં તારીખ 1 મેથી 31 જુલાઈ સુધીમાં કરાવી લેવા સુચના આપવામાં આવી છે. કુટુંબ પેન્શનરોએ પુનઃલગ્ન નહી કર્યા અંગેનું પ્રમાણપત્ર અલગથી બેન્કમાં રજુ કરવાનું રહેશે. 50 વર્ષથી વધુ ઉંમર હોય તેવા મહિલા કુટુંબ પેન્શનરે આવું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે નહી. તારીખ 31 જુલાઈ સુધીમાં જે પેન્શનરોના હયાતીના ફોર્મ કચેરીને મળશે નહિ તેવા પેન્શનરોનું ઓગષ્ટ-2024 પેઈડ ઈન સપ્ટેમ્બર-2024થી પેન્શન બંધ કરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી છે.
પેન્શનર સરકારની જીવન પ્રમાણ વેબસાઈટ પર પણ ઓનલાઈન હયાતી કરાવી શકશે. જે પેન્શનરોએ આધારકાર્ડ કે પાનકાર્ડ આપેલ નથી તેવા પેન્શનરોએ તેની નકલ પણ હયાતી ફોર્મ સાથે આપવા કહ્યું છે. વિદેશમાં રહેતા પેન્શનરોએ તેઓની હયાતી નોટરી પાસે ફોટા સહિત બેંક શાખા, પી.પી.ઓ. નંબર તથા ખાતા નંબર લખી કરાવવા સુચના આપવામાં આવી છે. પૂર્વ મંજૂરી વિના જે પેન્શનરોએ બેંક કે શાખા બદલેલ હશે તેવા પેન્શનરોના હયાતીની ખરાઈ કરવામાં આવશે નહી તે પણ જણાવાયું છે .