ભારતની પાકિસ્તાન પરની એક તરફી જીતની ઠેર-ઠેર ફટાકડા ફોડીને ઉજવણી
વડોદરાઃ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં આજે ભારતની એકતરફી જીતે ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધા હતા.લોકોએ ફટાકડા ફોડીને ભારતના ભવ્ય વિજયની ઉજવણી કરી હતી.
આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચના કારણે શહેરના ચાહકો પર પણ ક્રિકેટ ફિવર સવાર થયો હતો.શહેરમાં આજે ઠેર ઠેર મોટા સ્ક્રીન મુકીને લોકોએ મેચ નિહાળી હતી.વર્લ્ડકપની મેચની અસર રોજિંદા જન જીવન પર પણ થોડા ઘણા અંશે દેખાઈ હતી.
ભારત અને પાકિસ્તાનની મેચનો રોમાંચ નિહાળવા માટે આજે વડોદરાના કમાટીબાગ સહિત ઠેર ઠેર મોટા સ્ક્રીન મુકવામાં આવ્યા હતા.ઘણા ક્રિકેટ ચાહકોએ ભેગા મળીને મેચ નિહાળવાની સાથે સાથે ખાણી પીણીના કાર્યક્રમો પણ ગોઠવી કાઢ્યા હતા.વડોદરામાંથી પણ ઘણા લોકો અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે ગયા હતા.
મેચના કારણે બપોર બાદ અને ખાસ કરીને સાંજે ભારતની બેટિંગના સમયે મોટાભાગના લોકો ઘરમાં,દુકાનોમાં, ઓફિસોમાં કે જ્યાં પણ મોકો મળ્યો ત્યાં ટીવી સામે ગોઠવાઈ ગયા હતા.
જોકે પાકિસ્તાન ૧૯૧ રનમાં ઓલઆઉટ થઈ ગયુ હોવાથી ભારત આ ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી લેશે તેવી ક્રિકેટ ચાહકોની ધારણા સાચી પડી હતી અને ભારતે ૩ જ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધુ હતુ.ભારતે વર્લ્ડકપમાં સતત આઠમી વખત પાકિસ્તાનને હાર આપી હતી અને તેની ખુશી લોકોના ચહેરા પર જોઈ શકાતી હતી.