આજે વડોદરામાં શિવરાત્રી નિમિત્તે શિવ મંદિરોમાં બાર પ્રહરની પૂજા થશે
દેવાધિદેવ મહાદેવને રિઝવવા માટે ભક્તો આજે શિવજી પર બીલીપત્ર, બિલ્વ ફળ અને ધતુરો અર્પણ કરશે, પ્રતીકાત્મક ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે
સુરસાગર તળાવમાં સુવર્ણ મઢિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા નજરે પડે છે અહી આજે સાંજે 7 વાગ્યે મહાઆરતી થશે |
વડોદરા : આજે શહેરમાં મહા શિવરાત્રી પર્વની ઉજવણી થશે. આમ તો માત્ર જળાભિષેકથી ખુશ જઇ જતા દેવાધિદેવ મહાદેવને મહાશિવરાત્રી નિમિત્તે ભક્તો શિવજીને પ્રિય બીલીપત્ર, બિલ્વ ફળ અને ધતુરાને અપર્ણ કરીને મનવાંચ્છિત ફળ મેળવવા પ્રાર્થના કરશે. તો વડોદરાની પરંપરા મુજબ શિવરાત્રી નિમિત્તે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી 'શિવજી કી સવારી' નીકળશે જેમાં લાખો ભક્તો જોડાશે.
બપોરે રણમુક્તેશ્વર મહાદેવથી 'શિવજી કી સવારી' નીકળશે
ઓમ નમઃ શિવાયના જાપ સાથે ભક્તો આખો દિવસ શિવ ભક્તિમાં લીન રહેશે. શિવજીને પ્રિય ધતુરો, બિલીપત્ર, બિલ્વ ફળ સાથે ગાયનું દુધ, શેરડીનો રસ, મધ, દહી અને દુધથી અભિષેક કરશે.ભોળાનાથને પ્રસન્ન કરવા માટે અનેક સ્થળોએ લઘુરૃદ્ર ઉપરાંત શિવપંચાક્ષર સ્તોત્ર, શિવચાલીસા, રૃદ્રાષ્ટકમના આયોજન પણ થયા છે. તો શિવજીને ભાંગનો પ્રસાદ પણ ધરવામાં આવશે જો કે આ ભાંગ પ્રતિકાત્મક હોય છે જેમાં દુધ, સાકર, મરી, જાયફળ, વરિયાળી, તજ- લવીંગ, એલચીનો ઉપયોગ કરવામાં આવે છે.