વડોદરા બોટ દુર્ઘટના : પરવાનો પેડલ બોટનો હતો, કોન્ટ્રાક્ટરો ચલાવતા હતા મોટર બોટ
નિલેશ જૈનનો ભાગીદાર એવો બોટ માલિક અલ્પેશ ભટ્ટ 5 દિવસના રિમાન્ડ પર, કોન્ટ્રાક્ટર બિનિતિ કોટિયાને પણ વધુ 5 દિવસના રિમાન્ડ
વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની માત્ર પૈસા કમાવવાની લાલચના કારણે સુરક્ષામાં ગુનાઇત બેદરકારીનું પરિણામ એ આવ્યુ કે હરણી લેકઝોનમાં ૧૪ નિર્દોષ જિંદગીઓ ડૂબી ગઇ. આ દુર્ઘટના માટે જવાબદાર એવા આરોપીઓની ધરપકડનો દોર ચાલુ છે. મંગળવારે લેકઝોનનો પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈનનો ભાગીદાર એવો બોટનો માલિક એવા અલ્પેશ ભટ્ટની ધરપકડ કરવામા આવી હતી આજે તેને કોર્ટમાં રજૂ કરીને ૧૦ દિવસના પોલીસ રિમાન્ડની માગ કરવામાં આવી હતી કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોએ હરણી લેકઝોનમાં બોટિંગ અને અન્ય રાઇડ્સ માટે નિલેશ જૈન (ડોલ્ફિન કંંપની)ને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. નિલેશ જૈને અગાઉ કોટિયા પ્રોજેક્ટમાં પોતાની ૧૦ બોટ ભાડે આપતા અલ્પેશ ભટ્ટ (રહે.સરકારી આવાસ, મંગલપાંડે રોડ)ને ડોલ્ફિન કંપનીમાં ૨૦ ટકાનો ભાગીદાર બનાવીને અલ્પેશને પોતાના કોન્ટ્રાક્ટમાં સામેલ કરી દીધો. આ અલ્પેશ ભટ્ટ પણ ફરાર હતો જેની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. આજે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને વિવિધ કારણો હેઠળ ૧૦ દિવસના રિમાન્ડ માગ્યા હતા. સરકારી વકીલ અનિલ દેસાઇએ રિમાન્ડ માટે દલીલો કરતા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે હરણી લેકઝોનમાં કોર્પોરેશન સાથે કોટિયા પ્રોજેક્ટને જે કરારો થયા તેની શરતોમાં મુખ્ય બાબત એ હતી કે લેકઝોનામાં પરવાનો પેડલ બોટ માટેનો હતો પરંતુ નિલેશ જૈન અને તેનો પાર્ટનર અલ્પેશ ભટ્ટ મોટર બોટ ચલાવતા હતા જેની ક્ષમતા૧૪ બેઠકની જ હતી. તેમ છતાં પણ સંબંધીત લોકોને આ ગંભીર ભુલ ધ્યાનમા આવી નહતી. આ મામલે તપાસ કરવાની છે. અલ્પેશ ભટ્ટની કુલ ૧૦ મોટરબોટ હરણી તળાવમાં રાખવામાં આવી હતી તો આ બોટની માલિકી અલ્પેશની એકલાની છે કે તેમાં પણ અન્ય ભાગીદારો છે તેની જાણકારી પણ મેળવવાની બાકી છે. બોટ ક્યાંથી ખરીદવામાં આવી હતી. બોટનું મેઇન્ટેનન્સ કેટલા સમયાંતરે થતુ હતું. પેડલ બોટની જ મંજૂરી હોવા છતાં મોટર બોટ કેમ ચલાવવામાં આવતી હતી વગેરે બાબતોની તપાસ કરવાની છે. આ ઉપરાંત અલ્પેશના આર્થિક વ્યવહારોની પણ તપાસ બાકી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ધરપકડ કરાયેલા મુખ્યા આરોપીઓ પૈકી બિનિત કોટિયાના આજે રિમાન્ડ પુરા થતાં તેને પણ કોર્ટમાં રજૂ કરીને વધુ ૧૦ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા કોર્ટે બિનિતને પણ વધુ ૫ દિવસના પોલીસ રિમાન્ડ માટે મોકલી આપ્યો હતો.