વડોદરા બોટ દુર્ઘટના : આ જ છે તમારો વિકાસ, બાળકોની સુરક્ષા સાથે સમાધાન કેમ ?
અડધો કલાક તો કોઇ બચાવવા ના આવ્યું, બાળકો ક્યાં છે તે શોધવા અમે તળાવથી ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી એસએસજી ભટકતા રહ્યા
વડોદરા : હરણી તળાવમાં બોટ પલટી જતા ૨ શિક્ષિકા અને ૧૨ વિદ્યાર્થી મળીને ૧૪ના મોતની દુર્ઘટના બાદ તળાવ નજીક આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે વડોદરાના સાંસદ રંજન ભટ્ટ અને ભાજપાના પ્રવક્તા ભરત ડાંગર દોડી આવ્યા હતા. તે સમયે જ મૃતક બાળકોના વાલીઓ અને સગાસંબંધીઓએ તેમની ઘેરાબંધી કરીને ભારે આક્રોષ વ્યક્ત કર્યો હતો.
૧૦ વર્ષના એક મૃત બાળકના કાકાએ રંજન ભટ્ટ અને ભરત ડાંગરને પુછ્યું હતું કે શું આ જ છે તમારો વિકાસ, બાળકની સુરક્ષા સાથે સમાધાન કેમ ? મારા ભાઇનો ૧૦ વર્ષનો પુત્ર તમારા વિકાસની ભેટ ચઢી ગયો તેને પાછો કોણ લાવશે ? પુરતા લાઇફ જેકેટ હતા નહી છતાં બોટિંગની મંજૂરી કેમ આપવામા આવી. બોટ ઊંધી વળી ગયા બાદ અડધો કલાક સુધી તો કોઇ બચાવવા આવ્યુ નહી. વાલીઓ તળાવ પાસે પહોંચ્યા તો ત્યાંથી ખાનગી હોસ્પિટલ ધકેલી દીધા અને ત્યાં પહોંચ્યા તો કહે એસએસજી જાવ. તંત્ર દ્વારા દુઃખી વાલીઓને સપોર્ટ કરવાના બદલે ભટકતા કરી દીધા.
નાલાયકીની પણ હદ્દ હોય... એક તરફ કરૃણ કલ્પાંત બીજી તરફ હોદ્દેદારો ઠઠ્ઠા મશ્કરી કરતા હતા
મોત જાણે એક ઇવેન્ટ હોય તેમ ઘટના સ્થળે આવેલા ભાજપાના હોદ્દેદારો મૃતક બાળકોના માતા-પિતા સામે જ ઠઠ્ઠા મશ્કરી કરતા નજરે પડયા હતા. જેના પગલે ત્યાં ઉપસ્થિત લોકોના લોહી ઉકળી ગયા હતા.
એક તરફ કરૃણ કલ્પાંત ચાલી રહ્યો હતો તો બીજી તરફ લક્ઝરીયસ ગાડીઓમાંથી ઉતરીને આવતા ભાજપાના હોદ્દેદારો શું ચાલે છે ... મજામાં ? જેવા ખબર અંતર પુછીને હસતા હસતા એક બીજાના હાથ મીલાવી રહ્યા હતાં. આ દ્રશ્યો જોઇને લોકો પણ આક્રોશમાં આવી ગયા હતા અને બોલ્યા હતા કે નાલાયકીની પણ હદ્દ હોય. મોતનો મલાજો પણ જાળવતા નથી આવડતું આ ઇવેન્ટ મેનેજરો ને.