વડોદરા બોટ દુર્ઘટના : છેલ્લી ઘડીએ મે મારી દિકરીને પિકનીક જવા મંજૂરી આપી અને....
આયશા તો એક મહિના પછી લંડન જવાની હતી, રોશનીની માતા બેભાન થઇ ઢળી પડી
પોસ્ટમોર્ટમ રૃમ પાસે રોશનીની માતા બેભાન થઇ ઢળી પડી
કોર્પોરેશન અને બોટિંગ કોન્ટ્રાક્ટરની ભયંકર ભુલના કારણે ૧૨ના મોત થયા છે. મૃતકમાં ૧૩ વર્ષની રોશની શિંદેનો પણ સમાવેશ થાય છે. રોશનીની માતા તળાવ કિનારે પહોંચી હતી ત્યારે જાણ થઇ કે રોશનીને એસએસજી હોસ્પિટલ લઇ જવાઇ છે. રોશનીની માતા હોસ્પિટેલ પહોંચી તો જાણ થઇ કે રોશની હવે આ દુનિયામાં નથી અને તેની બોડી પોસ્ટમોર્ટમ રૃમમાં લઇ જવાઇ છે. ત્યાં પહોંચતા જ રોશનીની માતા બેભાન થઇને ઢળી પડી હતી એટલે તેને તુરંત ત્યાંથી ખસેડીને સારવાર માટે દાખલ કરવા પડયા ગતા
ખાનગી હોસ્પિટલની બેદરકારી સામે વાલીઓમાં રોષ
હરણી તળાવમાં ડૂબેલા બાળકો પૈકી ૧૪ બાળકોને નજીકની જાનવી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જેમાંથી ૯ બાળકોના મોત થયા હતા. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. વાલીઓ પોતાના સંતાનોનો શોધતા શોધતા જાનવી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાંથી એસએસજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૃમ પાસે આવ્યા ત્યારે બાળકોના મૃતદેહોને જોઇને ભાંગી પડયા હતા અને આક્રોશ સાથે આક્ષેપ કર્યા હતા કે જાનવી હોસ્પિટલમાં સમયસર સારવાર નહી મળતા બાળકોના મોત થયા છે.
અને બાળકને જીવીત જોઇને પિતાને હાશકારો થયો
સનરાઇઝ સ્કૂલના બાળકો બોટિંગ દરમિયાન હરણી તળાવમાં ડૂબ્યા હોવાના સમાચાર વહેતા થતાં જ સનરાઇઝ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓના જીવ તાળવે ચોંટયા હતા અને હરણી તળાવ ખાતે દોડી આવ્યા હતા ત્યાંથી આ વાલીઓને જાનવી હોસ્પિટલ ધકેલવામા આવ્યા હતા તે પૈકીના એક વાલી શેખ મહંમદ આરીફ પણ પોતાના પુત્રને શોધતા શોધતા જાનહી હોસ્પિટલ દોડી આવ્યા હતા અને વિલાપ કરતા વાલીઓ તથા બાળકોની લાશ વચ્ચે પોતાના પુત્રને શોધી રહ્યા હતા તે સમયે જ તેનો પુત્ર જીવીત અને હેમખેમ દેખાતા તેમને હાશકારો થયો હતો
પિકનિક પર જવાની ના પાડી હતી પણ દીકરીને છેલ્લી ઘડીએ મોકલી અને....
જીવનભર આંસુ સુકાય નહી એવી પિડા આપનાર હરણી તળાવ દુર્ઘટનાનો ભોગ રૃત્વી શાહ પણ બની છે. એસએસજી હોસ્પિટલ ખાતે રૃત્વીની માતા પોક મુકીને રડી પડી હતી અને કહેતી હતી કે મેં તો મારી દીકરીને પિકનિક પર જવાની ના જ પાડી હતી પરંતુ છેલ્લી ઘડીએ મારી દીકરીને મોકલી અને દીકરીને કાયમી ગુમાવવાનો વારો આવ્યો.
પિકનિકમાં મોકલ્યા નહી એટલે મારા ૩ બાળકો બચી ગયા
યાકુતપુરામાં રહેતા પરવેઝ શેખ પણ જાનવી હોસ્પિટલ દોડી આવ્યા હતા તેઓ મૃતક બાળકોના વાલીઓને મદદ કરી રહ્યા હતા. પત્રકારો સાથે વાત કરતા પરવેઝે કહ્યું હતું કે મારા ત્રણ બાળકો અરહાન, જીદાન અને અનમ પણ આ સ્કૂલમાં જ અભ્યાસ કરે છે. તેની મેડમે પણ કહ્યું હતું કે પિકનિકમાં મોકલો પરંતુ મે સ્પષ્ટ ના પાડી દીધી હતી એટલે મારા ત્રણ બાળકો આજે જીવીત છે.
આયશા તો એક મહિના પછી લંડન જવાની હતી
મૃતકોમાં પિતરાઇ ભાઇ બહેનનો પણ સમાવેશ થાય છે. આજવા રોડ પર રહેતી આયશા ખલીફા અને તેના કાકાનો છોકરો રેહાન ખલીફા બન્નેને આ દુર્ઘટનામાં મોત થયા છે. તેના સંબંધીઓ કહેતા હતા કે આયશાના પિતા તો લંડન છે અને એક મહિના પછી આયશા પણ માતા સાથે લંડન જવાની હતી પરંતનુ તે પહેલા જ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોત થઇ ગયુ.