વડોદરામાં ભાજપના વોર્ડ પ્રમુખે રાત્રે પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ભાજપના વોર્ડ પ્રમુખે રાત્રે પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી 1 - image

વડોદરા,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

માંજલપુર વિસ્તારમાં ભાજપના યુવા નેતા રાત્રે તેની પત્નીને તું અહી કેમ આવી તેમ કહી ઢોર માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

મિતલબેન રમેશભાઇ પટેલે (રહે.પાર્વતી નગર, ગોધરા) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા માતા-પિતા અને પુત્ર સાથે રહું છું. મારા લગ્ન પાર્થ વિરાભાઇ પટેલ (રહે. હરીદર્શન ફ્લેટ્સ, માંજલપુર, વડોદરા) સાથે દસ વર્ષ પહેલા થયા હતા. મારા પતિ સાથે મારે મનદુખ થતા અને તેઓ મને રાખવા માંગતા ન હોવાથી તેમજ મને તેમના દ્વારા શારીરિક ત્રાસ આપવામાં આવતા હું પિયર જતી રહી હતી. મારા પતિ વિરુદ્ધ ગોધરાની ફેમીલી કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલુ છે. મારા સાસુ સાથે મારે બનતું હોવાથી અવાર-નવાર ફોન પર વાતચીત થતી હતી.

 26, ઓક્ટોબરના રોજ હું મારા પિયરથી મારા પુત્રને લઇને મારા સાસુને મળી શકાય અને સમાધાન થાય તે માટે મારી સાસરી વડોદરામાં આવી હતી. સાંજે સાત વાગ્યે મારા સાસુ ઘરમાં હાજર હતા. સાડા દસ વાગ્યે મારા પતિ પરત આવતા મને જોઇને કહેવા લાગ્યા કે, મિતલને કેમ ઘરમાં આવવા દીધી. જે બાદ મારા સાસુને તેણે માર માર્યો હતો. અને મને ગાળો બોલી કહ્યું કે, તું અહિંયા કેમ આવી, મારા ઘરમાંથી નિકળ આજે તો તારી લાશ પાડી દઇશ. તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ તેણે મારા વાળ પકડીને મને માર માર્યો હતો. જે બાદ તેણે ત્રીજા માળથી મારો સામાન ફેંકી દીધો હતો. જે બાદ મેં પોલીસ મથકમાં જાણ કરતા તેઓ આવી ગયા હતા. આખરે સમગ્ર મામલે મિતલબેને પતિ પાર્થ  પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પાર્થ પટેલ વોર્ડ 18 નો ભાજપ પ્રમુખ છે. અને અનેક રાજકીય હસ્તીઓ જોડે ઘરોબો ધરાવે છે.


Google NewsGoogle News