વિડિયો લેક્ચરથી માંડીને અભ્યાસની મૂંઝવણ માટે શિક્ષકોનુ ગાઈડન્સ : વડોદરા ભાજપે ધો.10-12 માટે એપ લોન્ચ કરી
વડોદરા,તા.11 ફેબ્રુઆરી 2023,શનિવાર
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાના શરુ થઈ ગયેલા કાઉન્ટ ડાઉન વચ્ચે વડોદરા શહેર ભાજપે બોર્ડની પરીક્ષા આપનારા હજારો વિદ્યાર્થીઓ માટે શહેરના શિક્ષકોની મદદથી એક નિઃશુલ્ક એપ લોન્ચ કરી છે. ઈ-વિદ્યા નામની આ એપમાં વિદ્યાર્થીઓને જે તે વિષયના નિષ્ણાત શિક્ષકોના વિડિયો લેક્ચરથી માંડીને શિક્ષકોનુ માર્ગદર્શન સુધીની સુવિધા મળશે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ અને શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષે પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે, મધ્ય ગુજરાતના ધો.૧૦ અને ૧૨ના અઢી લાખ વિદ્યાર્થીઓ આ એપનો લાભ લેશે તેવી અમને આશા છે. ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આજે જનસંઘના સ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયના સ્મરાંજલિ દિવસ નિમિત્તે આજે એપ લોન્ચ કરવામાં આવી છે.
ઈ-વિદ્યા નામની એપમાં ધો.૧૦ અને ધો.૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે તમામ વિષયના વિડિયો લેકચર્સ મુકાયા છે. અત્યારે તમામ લેક્ચર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે છે પણ આગામી વર્ષ સુધીમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ વિડિયો લેકચર અપલોડ કરાશે. જે દરેક વિષયના તમામ અભ્યાસક્રમને આવરી લે છે. સાથે સાથે દરેક વિષયના બે શિક્ષકના સંપર્ક નંબરો પણ એપ પર ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને જો કોઈ વિષયમાં કોઈ મુદ્દા પર મૂંઝવણ હોય તો તે આ શિક્ષકોનુ માર્ગદર્શન મેળવી શકે છે.
એપમાં સ્પોકન ઈંગ્લિશ, કેરિયર ગાઈડન્સ, મોટિવેશન લેક્ચર, સરકારી નોકરીઓની જાણકારીનો સમાવશ પણ કરાયો છે. ઈ-વિદ્યા એપ વિદ્યાર્થીઓ એન્ડ્રોઈડ અને એપ સ્ટોર એમ બંને પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકશે.