વડોદરા બન્યું ખાડોદરા : નિઝામપુરાની ભૂખી કાંસ પરનો 20 ફૂટ લાંબો રસ્તો બેસી ગયો
Potholes in Vadodara : વડોદરા શહેરના ઉત્તર છેવાડે નિઝામપુરા વિસ્તારમાં આવેલી ભૂખી કાંસ પાસેનું પવનધામ ગરનાળાનો ફૂટ જેટલો લાંબો, 20 ફૂટ જેટલો બેસી જતા વિસ્તારમાંથી પસાર થતું કોઈ વાહન કે રાહદારી આ ખાડામાં પડી જાય તો મોટી જાનહાની થવાની શક્યતા નકારી શકાતી નથી. પાલિકા તંત્રએ તાત્કાલિક ધોરણે રીપેરીંગની આ કામગીરી કરવાના બદલે માત્ર ને માત્ર ચારે બાજુએ બેરીકેડ ગોઠવી દઈને સંતોષ માન્યો છે. જોકે ચોમાસા પૂર્વેની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા અંગે તંત્ર બિલકુલ ચૂપ અને કુંભકર્ણની ગોળ નિદ્રામાં જણાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા ચોમાસા અગાઉ શહેરભરમાં ડ્રેનેજ અને વરસાદી ગટરો અને વિવિધ કાસની સફાઈ કરીને પ્રિમોન્સૂન કામગીરી કરતી હોય છે પરિણામે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી સહેલાઈથી વહી શકેએ અંગેની સગવડ કરતી હોય છે. પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં જે રીતે ચોમાસાના પાણી ભરાય છે અને વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી આ ઉપરાંત ઠેર ઠેર ભુવા પણ પડતા હોય છે. તેથી પ્રિ-મોનસુન કામગીરી માત્રને માત્ર કાગળ પર થતી હોય તેવું માની શકાય છે.
દરમિયાન શહેરના ઉત્તર વિભાગમાં નિઝામપુરા વિસ્તારમાંથી ભૂખી નદીની કાંસ પસાર થાય છે. આ કાસ પર રોડ બનાવી દેવાયો છે. આ રોડ પરથી નાના મોટા વાહનો અને રાહદારીઓ પણ પસાર થતા હોય છે આ વિસ્તારમાં પાવનધામ પાસે ભૂખી નદીનું ગરનાળુ આવેલું છે. આ ઘરનાળા પાસેનો 20 ફૂટ જેટલી લંબાઈનો રોડ અને 10 ફૂટ જેટલો પહોળો સમગ્ર રોડ યોગ્ય રીતે પુરાણ નહીં થયું હોવાના કારણે બેસી ગયો હોવાનું માનવામાં આવે છે. આ રોડ બેસી જતા વિસ્તારનો વાહન વ્યવહાર ખોરવાયો છે. આ અંગેની જાણ પાલિકા તંત્રને કરવામાં આવી હતી જેથી માત્રને માત્ર બેસી ગયેલા રોડની ચારે બાજુએ બેરીકેડ ગોઠવીને તંત્રએ સંતોષ માન્યો હતો. ગરનાળા પરનો રોડ એક બાજુએ નમી જતા મોટો અકસ્માત કે જાનહાની થવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
આ અંગે સ્થાનિક કોર્પોરેટર જહા ભરવાડ તથા સામાજિક કાર્યકર કલ્પેશે જણાવ્યું હતું કે, પાલિકા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી વરસાદ પડે ત્યારે ઠેર ઠેર જોવા મળે છે. પાવનધામ ગરનાળા પાસેના રોડનું અગાઉ બે થી ત્રણ વાર રીપેરીંગ પણ થયું છે છતાં કોઈ ચોક્કસ ધારા ધોરણ મુજબ રીપેરીંગ થતું નહીં હોવાના આક્ષેપ તેમણે કર્યા છે. કોર્પોરેટર જહા ભરવાડે આ અંગે જણાવ્યું હતું કે આ સમગ્ર રસ્તો જેસીબીથી ખોદીને તાત્કાલિક ધોરણે પહોળો કરવો જરૂરી છે. આ કામ હાથ પર પણ લેવાયું છે પરંતુ કોઈ કામગીરી હજી સુધી થઈ નથી. આ કામ માત્ર કાગળ પર જ રહ્યું છે.
આ બાબતે જો તાત્કાલિક ધોરણે કોઈ પગલાં લેવામાં નહીં આવે કે રસ્તાનું રીપેરીંગ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો આ બાબતે કોઈ ઉગ્ર પગલું લેતા નહીં અચકાય તેવો પણ તેમણે આક્ષેપ કર્યો છે.