મોટરાઇઝ્ડ વ્હિલચેર સુવિધા ધરાવતુ વડોદરા દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યુ
વૃધ્ધ, અશક્ત અને દિવ્યાંગ મુસાફરને હવે એક પ્લેટફોર્મથી બીજા પર જવુ સરળ બનશે આ વિશેષ વ્હિલચેર ટ્રેનની સીટ સુધી જશે
વડોદરા : રેલવે સ્ટેશન પર આજથી મોટરાઇઝ્ડ સ્ટેર ક્લાઇમ્બર વ્હિલચેર સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તે સાથે મોટરાઇઝ્ડ સ્ટેર ક્લાઇમ્બર વ્હિલચેરની સુવિધા ધરાવતુ વડોદરા પ્રથમ રેલવે સ્ટેશન બન્યુ છે. આ સુવિધાના કારણે વૃધ્ધ, અશક્ત અને દિવ્યાંગ મુસાફરો એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર સરળતાથી જઇ શક્શે.
વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.૧ને બાદ કરતા અન્ય કોઇ પ્લેટફોર્મ પર લિફ્ટ કે એસ્કેલેટર (સ્વચાલિત સીડી)ની સુવિધા નથી એટલે દિવ્યાંગ, અશક્ત કે વૃધ્ધ મુસાફરોને જો એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવુ હોય તો ઓવર બ્રિજની સીડીઓ ચઢીને જ જવુ પડે છે જે આવા મુસાફરો માટે અત્યંત પીડાદાયક કામ હોય છે. આ સમસ્યાના નિવારણ માટે પશ્ચિમ રેલવેએ રૃ.૫ લાખની કિંમતની ત્રણ મોટરાઇઝ્ડ સ્ટેર ક્લાઇમ્બર વ્હિલચેરની ખરીદી કરી છે અને આજથી આ સુવિધાનો પ્રારંભ કરી દેવાયો છે.
આ સુવિધાનો લાભ મેળવવા માટે મુસાફર વ્હિલચેર એટ વડોદરા ડોટ કોમ ઉપર બુકિંગ કરાવી શકે છે અથવા તો સ્ટેશન પર કુલીને જાણ કરવાથી પણ સુવિધા મળશે. આ વ્હિલચેર ઓટોમેટિક છે જેમાં મુસાફરને બેસાડીને બેલ્ટ બાંધવામા આવે છે. વ્હિલચેર સરળતાથી પગથિયા ચઢી શકે છે અને કોચની સીટ સુધી મુસાફરને લઇ જવાય છે જેમાં એક કુલીનો સહયોગ પણ મળે છે. જો કે આ સુવિધા મેળવવા મુસાફરે રૃ.૧૨૦નો ચાર્જ રેલવેને ચુકવવો પડશે.