વડોદરામાં ચાર-પાંચ વર્ષથી બંધ સરદાર બાગ સ્વિમિંગ પૂલ ઉનાળા પૂર્વે ચાલુ કરવા પ્રયાસ
- સ્વિમિંગ પૂલના બે ફિલ્ટર આવી ગયા
- હજુ ઊંડાણવાળી જગ્યાએ પાણીનું જમણ બંધ કરવા વોટર પ્રૂફિંગ કરાશે
- દીવાલો અને મેન્ટેનન્સનું કામ બાકી
વડોદરા,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનો સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ હાલતમાં છે. આ સ્વિમિંગ પૂલ આવતા મહિનાના અંત સુધીમાં એટલે કે ઉનાળા પૂર્વે ચાલુ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આજ રોજ ડેપ્યુટી મેયર અને વિભાગના અધિકારીઓએ સ્વિમિંગ પૂલની મુલાકાત લઈ ચાલતી કામગીરીનું અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું કે સ્વિમિંગ પૂલના બે ફિલ્ટર આવી ગયા છે. ફિલ્ટર ફીટ કરાયા બાદ જ્યાં ઊંડાણ વાળી જગ્યા છે, ત્યાં હજુ જમણ થઈ રહ્યું છે. તે વોટર પ્રુફ કરીને બંધ કરી દેવામાં આવશે. દીવાલો તૂટેલી છે, તે ઉપરાંત અમુક મેન્ટેનન્સનું કામ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવશે. ઉનાળામાં પશ્ચિમ વિસ્તારના લોકો સ્વિમિંગ પૂલ વપરાશમાં લઈ શકે તેવો પ્રયાસ છે ,એમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડીવાડી સ્થિત સરદાર બાગ સ્વીમિંગ પૂલ કોરોના કાળ દરમિયાન બે વર્ષ બંધ હતો, ત્યારે કોર્પોરેશનના તંત્રે જરૂરી મેન્ટેનન્સ કરી લીધું હોત તો સ્વીમિંગપુલના આજીવન સભ્યો તેમજ બીજા લોકો પણ તેનો લાભ લઈ શક્યા હોત. સ્વિમિંગ પૂલમાં નવી ટાઇલ્સ ફીટ કરવી આરસીસી કામગીરી, ફિલ્ટરેશન વગેરે પ્રકારની કામગીરી માટે ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે ખર્ચના મૂળ અંદાજ 47.96 લાખ સામે 67.53 ટકા વધુ ભાવનું રૂપિયા 80.34 લાખનું ટેન્ડર આવ્યું હતું. સ્વિમિંગ પૂલના આજીવન સભ્યો કહે છે કે અમે ચાર વર્ષથી આ સ્વિમિંગ પૂલ ચાલુ થાય તેની પ્રતીક્ષા કરી રહ્યા છીએ અને હવે આ ઉનાળામાં શરૂ થઈ જાય તેવી આશા રાખી રહ્યા છીએ.