વડોદરામાં કમાટીબાગના ઝૂમાં પશુ પંખીઓને તાપ અને ગરમીથી રાહત આપવા વ્યવસ્થા ગોઠવાઈ
Kamatibaug Zoo Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગ ખાતેના ઝૂમાં પશુ પંખીઓને ગરમીમાં રાહત મળી રહે તે માટે દર વર્ષની માફક વ્યવસ્થા કરવામાં આવી છે. પશુ પક્ષીઓના પિંજરા ઉપર ગ્રીન એગ્રો નેટ, સૂકા ઘાસના પૂળા, ત્રાલસા વગેરે બિછાવીને તેના પર પાણીનો છંટકાવ કરાય છે. જેથી પાંજરાની નીચે ઠંડક મળી રહે. આ ઉપરાંત પિંજરાની અંદર અને બહાર પણ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. જરૂર પડે પ્રાણીઓના બચ્ચાના પીંજરામાં બરફના ટૂકડા રાખવામાં આવે છે. બરફના ટૂકડા સાથે બચ્ચા રમે છે અને ચાટે છે. આ રીતે ઠંડક પણ મેળવી શકે છે. વાઘ માટે બહાર પાણીના હોજ ઉપર શેડ બનાવ્યો છે. જેને ગરમી લાગતા પાણીના હોજમાં પડીને ઠંડક મેળવે છે. હરણ માટે પણ શેડ બનાવ્યા છે. દિપડા તેમજ સિંહ સૂકા વાતાવરણમાં રહેવા ટેવાયેલા છે. આ બંને જંગલી પ્રાણીને અપાતા પાણીમાં જરૂરી સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. જંગલી જાનવરોને અપાતા ખોરાકમાં પણ સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે.
ઉનાળામાં પશુ પ્રાણીઓને સિઝનલ ફ્રુટ તરબૂચ, શક્કરટેટી, પપૈયું, દ્રાક્ષ, કાકડી ખાસ આપવામાં આવે છે. જેથી ગરમીમાં ડી હાઇડ્રેશન ન થાય. કેરીની સીઝન શરૂ થશે એટલે કેરી પણ આપવામાં આવશે. ડોક્ટર દ્વારા નિયમિત સપ્લિમેન્ટ પૂરા પાડવાની સૂચના અપાઈ રહી છે. જેથી ગરમી અને લૂ નો સામનો કરવામાં તકલીફ ન રહે. બાગમાં આવતા સહેલાણીઓના પાથ-વે અને વિઝીટર-વે પર બે વખત દિવસમાં પાણીનો છટકાવ કરવામાં આવે છે, જેથી કરીને તેઓને પણ ઠંડક મળી રહે. જેમ ગરમી વધશે તેમ ત્રણ ચાર વખત પાણીનો છંટકાવ કરાશે. જ્યાં સુધી હવામાનમાં ઠંડક નહીં આવે ત્યાં સુધી પાણી છંટકાવ સહિતની ખોરાક પાણીની કામગીરી પર વિશેષ ધ્યાન અપાશે.