આચાર સંહિતા લાગુ થયા બાદ શરુ થયેલા ચેકિંગ દરમિયાન
વડોદરાઃ લોકસભાની અને તેની સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી ગઈ હોવાથી વડોદરા શહેર જિલ્લામાં પણ ઠેર ઠેર ચેકિંંગ શરુ કરી દેવાયુ છે.આ ચેકિંગ દરમિયાન ખોટી રીતે રોકડ રકમ કે કિંમતી વસ્તુઓ જપ્ત કરવાની ફરિયાદો ઉભી થાય તો તેનો નિકાલ કરવા માટે વડોદરા જિલ્લા સ્તરે એક કેશ રિલિઝ કમિટિની રચના કરવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે આ કમિટિમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ એજન્સી નિયામક તેમજ જિલ્લા તિજોરી અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.
જિલ્લા તંત્રનુ કહેવુ છે કે, ચેકિંગ દરમિયાન સરકારી તિજોરીમાં કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ વગર રોકડ રકમ અને કિમતી વસ્તુઓ જમા કરાતી હોવાના કિસ્સા ચૂંટણી પંચના ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને તેના કારણે લોકોને હેરાનગતિ ના થાય તેમજ કોઈની આવી ફરિયાદ હોય તો તેના નિરાકરણ માટે આ કમિટિ બનાવવામાં આવી છે.
જે પોલીસ તેમજ અન્ય એજન્સીઓ દ્વારા ચેકિંગ દરમિયાન જપ્ત કરાતી વસ્તુઓના દરેક કેસની જાતે તપાસ કરશે અને જો કમિટિને લાગશે કે કોઈ જાતની પોલીસ ફરિયાદ વગર રોકડ કે અન્ય કોઈ વસ્તુ જપ્ત કરાઈ છે અથવા જે વ્યક્તિ પાસે રોકડ કે કિંમતી વસ્તુ મળી છે તે વ્યક્તિ કોઈ પણ ઉમેદવાર અથવા રાજકીય પક્ષ કે અન્ય રીતે ચૂંટણી પ્રચાર સાથે સંકળાયેલી નથી તો તેવી વ્યક્તિઓ પાસેથી મળેલી રોકડ અને બીજી વસ્તુઓ મુકત કરવાનો આદેશ આપી શકશે.જો રોકડ રકમ ૧૦ લાખ કરતા વધારે હશે તો તેને સબંધિત વ્યક્તિને સોંપતા પહેલા ઈનકમટેકસના નોડલ અધિકારીને જાણ કરવામાં આવશે.આ સમિતિ ચૂંટણી પંચની ચૂંટણી ખર્ચ પર દેખરેખ તેમજ નિયંત્રણ અંગેની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી કરશે.