વડોદરા: ઓવરબ્રિજ નીચે જામેલી ધૂળની સફાઈ કરવા રાત્રે કોર્પોરેશન દ્વારા રોડ ધોવાનો ટ્રાયલ લેવાયો
- તમામ ઓવરબ્રિજો આસપાસ પાણીનું પ્રેશર મારી રોડ ધોઈ ઝીરો ડસ્ટિંગ કરાશે
- મુખ્ય માર્ગોને પણ ધોવા વિચારણા
- ગટરના ટ્રીટ કરેલા પાણીનો ધોવા માટે ઉપયોગ
વડોદરા,તા.17 નવેમ્બર 2022,ગુરૂવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અને સફાઈ ક્ષેત્રે સઘન કામગીરી કરવાનો નિર્ણય લેવાયા બાદ રાત્રી સફાઈની કામગીરી પણ થઈ રહી છે. શહેરના મુખ્ય માર્ગ પર સ્વીપર મશીનથી સફાઈ થયા પછી પણ જામી ગયેલી ધૂળ નહીં ઉખડતા ગંદકી રહે છે. ખાસ તો ઓવર બ્રિજની નીચેના સર્વિસ રોડ ધોવાની ટ્રાયલ કામગીરી ગઈ રાતથી શરૂ થઈ છે.
બુધવારની રાત્રે વીઆઇપી રોડ પર અમિતનગર બ્રિજ નો સર્વિસ રોડ અને નજીકમાં રોડ ડીવાઈડર પર જામેલી ધૂળ પાણીનું પ્રેસર મારીને ધોવામાં આવી હતી. જો કે આ કામગીરી હજી ટ્રાયલ ધોરણે છે, પરંતુ ગઈ રાતની ટ્રાયલ સફળ રહી છે. કેમકે ડિવાઈડર ધોવાઈને સ્વચ્છ થયા છે. સતત વરસાદમાં ડિવાઈડર પર અને સાઈડમાં જામી ગયેલી ધૂળ કાઢવા માટે આ ટ્રાયલ બાદ હવે શહેરના બીજા બ્રિજના રોડ માટેનું પ્લાનિંગ કરવામાં આવશે અને ઝીરો ડસ્ટિંગ કરાશે. કોર્પોરેશન દ્વારા વર્ષો અગાઉ આ રીતે રોડ ધોવામાં આવતા હતા. ગઈ રાતે 12:00 વાગ્યા બાદ આ કામગીરી થતી હતી ત્યારે કોર્પોરેશન હવાલાના ડેપ્યુટી કમિશનર (ઉત્તર ઝોન) , કાર્યપાલક એન્જિનિયર( મિકેનિકલ) તેમજ ડેપ્યુટી એન્જિનિયર (મિકેનિકલ) વગેરે રોડ ધોવાની કામગીરી નું નિરીક્ષણ કરવા ઉપસ્થિત રહ્યા હતા. તમામ બ્રિજો બાદ મુખ્ય રોડ પણ આવરી લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. રોડ ધોવાની આ કામગીરી સારી છે તેમ બ્રિજ પાસે ઉભેલા સ્થાનિક લોકોનું કહેવું હતું. રોડ ધોવા માટે વપરાતું પાણી ડ્રેનેજનું ટ્રીટ કરેલું ઉપયોગમાં લેવાય છે. થોડા વખત અગાઉ કમિશનરે સફાઈ કામગીરી અંગે નિરીક્ષણ કરી સ્વીપર મશીનના સુચારૂ ઉપયોગ બાબતે સૂચન કરી તમામ મુખ્ય રસ્તા આવરી લેવા સૂચના આપી હતી.