MSUની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા મૂળ પાટણના માત્ર 19 વર્ષના વિદ્યાર્થીનુ હાર્ટ એટેકથી મોત
વડોદરા,તા.17 ઓગસ્ટ 2023,ગુરૂવાર
યુવાઓમાં હાર્ટ એટકના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા માત્ર 19 વર્ષના વિદ્યાર્થીનુ હાર્ટ એટેકના કારણે મોત થતા વિદ્યાર્થી આલમમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.
મુળ પાટણનો રહેવાસી દીપ ચૌધરી સાયન્સ ફેકલ્ટીના ઝૂલોજી વિભાગના એસવાયમાં અભ્યાસ કરતો હતો. બુધવારની રાત્રે તે પોતાના મિત્રો સાથે છોલે ભટુરે ખાઈને હોસ્ટેલમાં રહેતા બીજા મિત્રોને મળવા માટે ગયો હતો. તે હોસ્ટેલના રૂમમાં મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો થયો હતો અને તે રૂમમા જ ઢળી પડ્યો હતો. ગભરાઈ ગયેલા તેના મિત્રોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો પણ હોસ્પિટલ પર પહોંચે તે પહેલા જ તેનુ મોત થયુ હતુ.
ઘટનાની જાણ થતા ફેકલ્ટીના ડીન સહિતના અધ્યાપકો સયાજી હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો. સાયન્સના ડીન પ્રો.કટારિયાના કહેવા અનુસાર વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કરતા જ તેને એટેક આવ્યો હતો. વધારે જાણકારી તો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ મળી શકશે. વિદ્યાર્થી ભણવામાં તેજસ્વી હતો અને ફેકલ્ટીએ આવા આશાસ્પદ વિદ્યાર્થીને ગુમાવવો પડ્યો તે દુખની વાત છે. પરિવારને આ આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે.
બીજી તરફ વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓનુ કહેવુ હતુ કે, અમારી નજર સામે દીપ ઢળી પડતા અમે ગભરાઈ ગયા હતા. અમે હોસ્ટેલના બીજા માળ પરથી ઉંચકીને તેને ગ્રાઉન્ડ ફલોર પર લઈ ગયા હતા. જોકે તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ એમ્બ્યુલન્સમાં તેનુ મોત થયુ હતુ.