વડોદરા : વાઘોડિયાના ભાણિયારા ગામે ગેસ રિફિલિંગ કરવાનું નેટવર્ક ઝડપાયું : 4 ની અટક, રૂ.5,78,700નો મુદ્દામાલ જપ્ત
image : Freepik
વડોદરા,તા.30 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ભાણિયારા ગામની સીમમાં ટેન્કર સહિતના વાહનમાંથી ગેસ રિફિલિંગ કરવાનું નેટવર્ક પોલીસે ઝડપી પાડ્યું હતું અને ચાર વ્યક્તિની અટકાયત કરી હતી. તેમજ ત્રણ વાહન, પાંચ ભરેલા અને 34 ખાલી ગેસ બોટલો, ગેસ રીફિલિંગની પાઇપ તેમજ અન્ય સાધનો મળી કુલ રૂ. 5,78,700નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસને બાતમી મળી હતી કે ભણિયારા ગામની સીમમાં સ્મશાનની પાછળની ખુલ્લી જગ્યામાં બે ટેન્કરમાંથી ગેસ સિલિન્ડરમાં ગેસનુ રિફિલિંગ કરવામાં આવે છે. તેથી રેડ પાડી હતી. દરમિયાન બે ટેન્કરમાંથી ગેસ સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ થતું હતું. તેથી પાંચ ભરેલા અને 34 ખાલી મળી કુલ રૂ.78,700ના 39 ગેસ બોટલો કબજે લીધા હતા. સાથે ગેસ રિફિલિંગની પાઈપ સહિતના સાધનો તેમજ બે ટેન્કર અને એક બોલેરો વાન મળી કુલ રૂ.5,78,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને હલીમખાન મુનશીખાન રહે મધ્યપ્રદેશ પીપલા ઘાટ, ભગવાન રાઠોડ રહે મધ્યપ્રદેશ સરવાયા, સંજયસિંહ બિશ્નોઇ રાજસ્થાન અને રામેશ્વર રાજારામ રાજસ્થાનની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે જાહેર જગ્યામાં જ્વલનશીલ પદાર્થનું રિફિલિંગ કરવાથી આગ પણ લાગી શકતી હોય છે.